• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

અંજારમાં યુવાન ઉપર પાંચ શખ્સ દ્વારા હુમલો

ગાંધીધામ, તા. 7 : અંજારમાં લુણંગનગર નજીક ગરનાળા પાસે પ્રેમલગ્નનું મનદુ:ખ રાખી એક યુવાન ઉપર પાંચ શખ્સે હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. મેઘપર કુંભારડી લક્ષ્મીનગરમાં રહેનાર ફરિયાદી કિશનકુમાર નાગશી મહેશ્વરી (સંજોટ) ગત તા. 5-9ના રાત્રે અંજાર ગયો હતો. તે લુણંગનગર નજીક ગરનાળા પાસે ઊભો હતો, ત્યારે હેમરાજ વેલજી આયડી પાઇપ લઇને તેની પાસે આવ્યો હતો અને તારું કામ છે, ત્યારે ફરિયાદીએ સાથે આવવાની ના પાડતાં ત્યાં અમિત કરશન આયડી, પ્રવીણ વેલજી આયડી, રોહિત પાલુ આયડી, સાહિલ રમેશ નિંજાણ આવ્યા હતા. આ શખ્સોએ ગાળો આપી ફરિયાદીને પાઇપ, ધોકા વડે માર માર્યો હતો. બાદમાં સિમેન્ટના બ્લોક (ગજિયા) ઉપાડી બંને પગમાં માર્યા હતા. રાડારાડ થતાં લોકો એકઠા થતા. આ શખ્સો ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા. આ યુવાને કરેલા પ્રેમલગ્નના મનદુ:ખે તેના ઉપર હુમલો કરાયો હતો. ઘવાયેલા યુવાનને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેના બંને પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd