• મંગળવાર, 07 જુલાઈ, 2026

કારાઘોઘા ડેમ પાસે રાસુભાએ સંતાડેલો રૂા. 11.16 લાખનો શરાબ જપ્ત

ભુજ, તા. 6 : પાંચ-છ દિવસ પૂર્વે જ એલસીબીએ કારાઘોઘા ડેમ રસ્તે તથા મકાનમાં દરોડો પાડી બે શખ્સને 22.22 લાખના શરાબના જથ્થા સાથે ઝડપી લીધા હતા. જેમાં શરાબ ધંધાર્થી રાસુભા તગજી સોઢા (રહે. ખાનાય) નાસી છૂટયો હતો. દરમ્યાન આજે આજ રાસુભાએ કારાઘોઘા ડેમ પાસે સંતાડેલો રૂા. 11,16,000નો શરાબનો જથ્થો ઝડપી પાડયો છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમને બાતમી મળી હતી કે, રાસુભા તગજી સોઢા (રહે. ખાનાય, તા: અબડાસા)એ રાજ્ય બહારથી ગેરકાયદેસર રીતે શરાબનો જથ્થો મંગાવી તે જથ્થો બરાયા ગામની સીમમાં આવેલા કારાઘોઘા ડેમ વિસ્તારમાં આવેલા બાવળોની ઝાડીમાં સંતાડી રાખ્યો છે. આ બાતમીના પગલે સ્થળ પર જઈ એલસીબીની ટીમે દરોડો પાડી શરાબની અલગ-અલગ બ્રાન્ડની 1860 બોટલ જેની કિ. રૂા. 11,16,000 કબજે લીધકી હતી. શરાબનો મુદ્દામાલ કબજે લઈ હાજર ન મળનાર આરોપી રાસુભા સોઢા વિરુદ્ધ પ્રાગપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. એ. એમ. મકવાણા, પી.એસ.આઇ. એમ. એચ. શીણોલ, એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. રાજદીપસિંહ ગોહિલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઇ ગઢવી, રામજીભાઇ રબારી, મહેશભાઇ ચૌહાણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્રે બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી કારાઘોઘા ડેમ રસ્તે હેરિયર ગાડીનો પીછો કર્યો હતો. બાવળોમાં ગાડી નાખી બે આરોપી નાસવા લાગતાં એક આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા કિરીટસિંહ જાડેજા (રહે. બરાયા)ને ઝડપી લીધો હતો જ્યારે રાસુભા સોઢા નાસી છૂટયો હતો. કારમાં બિયરનો જથ્થો હતો. પૂછતાછમાં અન્ય શરાબનો જથ્થો તેના કબજાના મકાનમાં હોવાનું અને રાસુભાના કહેવા મુજબ અલગ-અલગ જગ્યાએ આપવાના જવાના હતા. આથી મકાન પર દરોડો પાડી ત્યાંથી પણ એક આરોપી અજિતસિંહ સોઢા (ખાનાય)ને ઝડપી લેવાયો હતો. આ દરોડામાં રૂા. 22,22,592નો શરાબ સહિત કુલે રૂા. 67,62,592નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

Panchang

dd