ભુજ, તા. 20 : માદક પદાર્થની બદી નાબૂદ કરવા
રાજ્ય પોલીસના વડાના આદેશનાં પગલે રાજ્યભરમાં ચાલી રહેલી ખાસ ઝુંબેશનાં પગલે ગાંજા
પકડવાના બનાવો છેલ્લા થોડા દિવસોથી સામે આવી રહ્યા છે. આ વચ્ચે આજે સાંજે માતાના મઢનો
શખ્સ ભુજમાં ગાંજો વેચવા આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ઉપરાંત માંડવીમાં પણ ગઇકાલે
ગાંજા સાથે શખ્સ પકડાયો હતો. આજે એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, અજીજ ઇબ્રાહીમ સીદી (રહે. માતાના મઢ,
તા. લખપતવાળો) શખ્સ ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લઇ હમીરસરની પાળે
મામાની પાવડી પાસે વેચાણ અર્થે આવવાનો છે. આ બાતમીના પગલે પોલીસે તેને માદક પદાર્થ
ગાંજો 77 ગ્રામ કિં. રૂા. 38,380ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
હતો. એનડીપીએસ એકટ તળે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. દરમ્યાન, માંડવી પોલીસે ગઇકાલે અસગરઅલી ઉર્ફે ગજની ઓસમાણગની
મિયાણા (રહે. રામેશ્વર ઝૂંપડપટ્ટી, માંડવી)ને માદક પદાર્થ ગાંજો
જેનું વજન 134 ગ્ર્રામ-કિં.
રૂા. 6700 ઉપરાંત એક મોબાઇલ કિં. રૂા.
10 હજાર અને રોકડા રૂા. 5900 તેમજ ટુવ્હીલર પ્લેઝર નં. જીજે-12-ડીક્યુ-9722 કિં. રૂા. 40,000 એમ કુલ રૂા. 62,600ના મુદ્દામાલ સાથે ઝડપી એનડીપીએસ
એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.