• રવિવાર, 21 જૂન, 2026

સુજાપર સ્મશાન પાસેનાં અને નાની ચીરઈનાં તળાવમાં શખ્સોનાં ડૂબી જવાથી મૃત્યુ

ભુજ, તા. 20 : તાલુકાના સુજાપરના સ્મશાન પાસેનાં તળાવમાં સેડાતાના 46 વર્ષીય શખ્સ આસમલ બચુભાઈ મહેશ્વરીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બીજી તરફ ભચાઉના નાની ચીરઈમાં ખાનગી કંપની પાછળનાં તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અબડાસા તાલુકાના ડુમરામાં નવયુવાન 18 વર્ષીય યુવતી વિદ્યાબેન વસંતભાઈ ચંદેએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. ઉપરાંત ભચાઉ તાલુકાના તોરણિયામાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી જનાર ચંદ્રિકાબેન નરશીભાઈ કોળી (ઉ.વ. 20)એ સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. આજે બપોરે 12 વાગ્યે સુજાપર ગામના સ્મશાનની બાજુમાં આવેલાં તળાવમાંથી સેડાતાના આસમલ મહેશ્વરીની લાશ મળી હતી, જેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 12 વાગ્યા પહેલાં કોઈ પણ સમયે આસમલ તળાવમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસે કયા કારણસર આસમલ ડૂબ્યો તે અંગે તપાસ હાથ ધરી છે. હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ ભચાઉના નાની ચીરઈમાં એચ.આર. પ્લાસ્ટિક કંપનીની પાછળ તળાવમાં અજાણ્યા ભાઈ પડી ગયા હોવાની જાણ ભચાઉ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટનાં સ્થળે જઈને તાત્કાલિક મૃતદેહને પાણીમાંથી બહાર કાઢયો હતો. આ દરમ્યાન પોલીસ સ્ટાફ પણ હાજર હતો. કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડાકુલદીપભાઈ, શક્તિસિંહ, મયૂરભાઈ વિગેરે જોડાયા હતા. પોલીસે ઓળખ માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. બીજી તરફ અબડાસાના ડુમરામાં 18 વર્ષીય યુવતી વિદ્યાબેન ચંદેએ ગઈકાલે સાંજે આઠેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાતાં ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો કોઠારા પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો ખાલ કર્યો હતો. યુવતીના આપઘાતને લઈ ગામમાં અરેરાટી વ્યાપી હતી. તોરણિયામાં રહેતી ચંદ્રિકાબેન નામની યુવતીએ  પોતાના ઘરે ગત તા. 18/6ના 12.30 વાગ્યાના અરસામાં  કોઈ કારણે જંતુનાશક દવા પીધી હતી. ત્યારબાદ ભચાઉની ખાનગી હોસ્પિટલમાં તેમને  સારવાર માટે ખસેડાયા હતા.  ચાલુ સારવારે ગત તા. 19/6ના  6.30 વાગ્યાના અરસામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકનો લગ્નગાળો  અઢી મહિનાનો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ યુવતીએ કયા કારણોસર આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું હશે તે જાણવા પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે.    

Panchang

dd