• રવિવાર, 21 જૂન, 2026

ભુજ-નખત્રાણા ફોરલેન માટે જમીન સંપાદન કરો

ભુજ, તા. 20 : નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા નાગરિકલક્ષી પ્રશ્નોને પ્રાથમિકતા આપીને ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ, યોગ્ય રજૂઆત અને જરૂરિયાત મુજબ જ સ્કૂલોમાં નવા વર્ગખંડોનું નિર્માણ, ખેડૂતોની જમીન શ્રી સરકાર થવાનો પ્રશ્ન, ભુજ શહેરમાં જાહેર હેતુ માટે જમીન ફાળવણી, પ્રિ-મોન્સૂન કામગીરી વગેરે બાબતોના પ્રશ્નોની રજૂઆત કરી હતી.  અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ ખેડૂત તરીકે વારસાઈ એન્ટ્રી અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ, નખત્રાણા ખાતે ટાઉનહોલ નિર્માણ કામની પ્રગતિ, દયાપર ખાતે સરકારી કોલેજ માટે જમીન સંપાદન, નખત્રાણામાં છારી-ફુલાય, બિબ્બર, તલ, લૈયારી અને જાબરી ડેમ નિર્માણની દરખાસ્ત અને પ્રગતિ, ધાવડા ગામના ગુમ રેકર્ડની ખરાઈ અને પ્રમોલગેશન કામગીરી, નખત્રાણા બાયપાસ નિર્માણકાર્યની પ્રગતિ, ગજણસર અને આમારા ગામ પંચાયત રેકર્ડ, ભુજ ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેકર્ડ માટે નિયમિત સ્ટાફની ફાળવણી, નખત્રાણામાં લીફરી ફાટકથી નવાવાસ લક્ષ્મીપર રોડનો પ્રશ્ન, ગામડાંઓમાં રમતગમત મેદાન ફાળવણીની જોગવાઈઓ, અબડાસાના ખુઅડા ગામે નવા વીજવાયરો પ્રસ્થાપિત કરવા, અબડાસા તાલુકામાં ખેડૂતોને વીજ મીટરની વિના વિલંબે ફાળવણી, લીંબારા ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાનું કામ, લગ્ન પ્રમાણપત્રમાં સરકારી સિક્કાઓનું પ્રમાણીકરણ, ગામડાંઓમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે આર્થિક જોગવાઈ, અબડાસા વિસ્તારમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સ અને નારાયણ સરોવર-કોટેશ્વર ખાતે 24 કલાક એમ્બ્યુલન્સની ફાળવણી, રામવાડા અને અબડા યાત્રાધામના વિકાસનું કામ, યક્ષ મંદિરનો વિકાસ, કૂવા અને ગટર નિર્માણનાં કાર્યો અને અમલીકરણ વિભાગો, ભુજ- નખત્રાણા ફોરલેન માર્ગની કામગીરી માટે જમીન સંપાદન, નખત્રાણાના ઝાલુ ગામે હાઈકોર્ટના આદેશનું અમલીકરણ, અબડાસા સહિત સરહદી વિસ્તારોમાં યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થા, પાણીની લાઈનમાં ગેરકાયદેસર જોડાણ દૂર કરવા, ચોમાસાં પૂર્વે પશુ રોગચાળા નિવારણ માટે દવા અને રસીની ઉપલબ્ધતા, બિયારણની વાવણી પહેલાં ખેડૂતોને વિતરણ, ઘાસચારાનું રાહત ભાવે વિતરણ અને બાજરી સહિત પેદાશોની ટેકાના ભાવે ખરીદી વગેરે પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત કરી હતી.   ધારાસભ્યોએ રજૂ કરેલા પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગત મેળવીને નિવાસી અધિક કલેક્ટરે નાગરિકોને કોઈ જ અગવડતા ન પડે તે રીતે ઝડપથી નિરાકરણ લાવવા સૂચનાઓ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નાગરિકોને સ્પર્શતા મહત્ત્વના પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સ્થળ વિઝિટ કરવા જણાવ્યું હતું. ઉપરાંત, જ્યાં પણ રાજ્ય સરકારની મંજૂરીઓની જરૂરિયાત હોય એવા કિસ્સાઓમાં ત્વરિત સરકારમાં દરખાસ્ત મોકલીને કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, અધિક કલેક્ટર પી. એલ. વિઠાણી, આરટીઓ ઈન્સ્પેક્ટર અનિલ ગોસ્વામી સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંબંધિત કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd