પરભણી, તા.20 : મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના
મનવત તાલુકાના યશવાડી દેવસ્થાનમાં આજે એક મોટી દુર્ઘટના બની હતી. પ્રસિદ્ધ હનુમાન મંદિરના
ગર્ભગૃહની સામે નિર્માણાધીન સભા મંડપની છત અચાનક તૂટી પડતાં, ઘટનાસ્થળે ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં
સાત શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે 32 અન્ય ઘાયલ થયા હતા. અનેક લોકો
કાટમાળ નીચે ફસાયા હોવાના પણ અહેવાલ છે. અહેવાલો
અનુસાર, ઘટના બની તે સમયે મંદિર સંકુલમાં મોટી સંખ્યામાં
શ્રદ્ધાળુઓ હાજર હતા. ઘટના બાદ વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી
હતી. શનિવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા માટે એકઠા થયા હતા. રાહત અને બચાવ
કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર
કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘાયલોને સારવાર માટે પરભણી જિલ્લા જનરલ હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે હજુ સુધી સત્તાવાર રીતે જાનહાનિના આંકડાની પુષ્ટિ
કરી નથી. અહેવાલો અનુસાર, મંદિરની સામે જ એક સભા મંડપનું બાંધકામ ચાલી રહ્યું હતું. બપોરે લોકો પ્રસાદ
લઈ રહ્યા હતા ત્યારે અચાનક માળખું અને પથ્થરો તૂટે શ્રદ્ધાળુઓ પર પડતાં અફરાતફરી મચી
હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. વીડિયોમાં બપોરે 3 વાગ્યે ઘણા લોકો દર્શન, પૂજા અને પ્રસાદ માટે લાઇનમાં ઉભા રહેલા દેખાય
છે, તે જ સમયે વાંસ અને લોખંડના સળિયાથી બનેલું મધ્યવર્તી માળખું
તૂટી પડ્યું હતું.