• રવિવાર, 21 જૂન, 2026

`ઓમ'નો નાદ સાંભળ્યો અને બની ગયા યોગગુરુ

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : આજે વિશ્વ યોગ દિવસની સાથે વિશ્વ સંગીત દિવસ પણ છે. સંગીતને પણ સાધના તરીકે સ્વીકૃતિ મળી છે. એકાંતમાં મનગમતાં ગીત કે સંગીતનું શ્રવણ સ્વર્ગીય અનુભૂતિ આપે છે. યોગનિદ્રાની જેમ મન તાજગીપૂર્ણ બનીને મહોરી ઊઠે છે. યોગ અને સંગીત બન્ને તન - મન માટે ફાયદાકારક છે. અભિનેતા હોય, રમતવીર હોય, ઉદ્યોગપતિ હોય કે બીજી સેલિબ્રિટી... યોગ અને સંગીત બન્ને તેમનાં જીવનમાં વણાયેલાં જોવા મળે છે. આજનો સેલિબ્રિટી આઈકન વિરાટ કોહલી સંગીતનો જબરો શોખીન છે. ક્રિકેટર સચિન તેંડુલકર 2012માં ઈજા અને કંગાળ ફોર્મથી પરેશાન હતો, ત્યારે યોગગુરુ બી.કે.એસ. આયંગરનાં શરણે ગયો હતો અને ચમત્કારિક ફાયદો મેળવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી શરૂ થયેલા વિશ્વયોગ દિવસની ઉજવણી હવે વિશ્વવ્યાપી બની ગઈ છે. યોગ પ્રાચીન ભારતથી ચાલી આવતી એક એવી વિદ્યા, જે ગ્રહણ કરવા માટે - જીવનમાં તેનો અમલ કરવા માટે કોઈ ખર્ચ નથી કરવો પડતો... આમ આદમીથી અમીર સૌ માટે યોગ આરોગ્ય - તંદુરસ્તી જતનનો  ખજાનો છે. આજે તો યોગનું પ્રચલન વધ્યું છે. વહેલી સવારે અને સાંજે  `યોગા' કરીએ છીએ એમ ગૌરવભેર કહેવાઈ રહ્યું છે. કેટલાય નવા યોગગુરુ આગળ આવ્યા છે. `યોગ ટ્રેનર' કારકિર્દી ઘડવાની એક નવી લાઈન બની છે. ભારત સરકારનાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જેના ઉપક્રમે થાય છે, એ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન - ગુજરાતના સંયોજક તરીકે મૂળ કચ્છના વિજયકુમાર શેઠ (સુખડિયા)ની નિમણૂક કરવામાં આવી છે. ભારતવર્ષમાં વેદ - ઋષિકાળથી યોગવિદ્યાનું પ્રચલન છે. ભારતમાં અનેક વિદ્વાન યોગાચાર્યો છે, પરંતુ જન જનને યોગ પ્રત્યે આકર્ષિત કરવામાં યોગગુરુ બાબા રામદેવનો ફાળો નોંધનીય છે. કચ્છમાં એક એવી વ્યક્તિ છે, જેમણે યોગને જીવનમંત્ર બનાવીને હજારો લોકો સુધી આ વિદ્યા પ્રસરાવી છે. કમલકાંત ભટ્ટ આજે 85 વર્ષે પણ યોગના પ્રચારક તરીકે સક્રિય છે અને ભુજની બેન્કર્સ કોલોનીમાં સ્વખર્ચે યોગસાધના હોલ બનાવ્યો છે. ઉમા યોગ કેન્દ્રમાં વર્ષોથી નિરંતર યોગાભ્યાસ થઈ રહ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાવાળામાંથી પીએમ બન્યા. કમલકાંત ભટ્ટે 1956ના અરસામાં ભચાઉ ખાતે ભણવાની સાથે ચાની હોટેલમાં ચા પીરસવાનું કામ કર્યું છે. પોલીસ કોન્સ્ટેબલે બન્યા અને 1966માં ભુજ ખાતે અર્થશાત્ર - આંકડા બ્યૂરોમાં સરકારી નોકરી સ્વીકારી હતી. કમલભાઈની યોગગુરુ બનવાની સ્ટોરી રસપ્રદ છે. 1984માં ભુજમાં મોહનભાઈ શાહે શાંતિનિકેતન ખાતે બિહારના મુંગેરના સ્કૂલ ઓફ યોગના સ્વામી નિરંજનાનંદની યોગ શિબિર યોજી હતી. તેમાં તમામ વર્ગ ભરાઈ ગયા. મોહનભાઈએ કમલભાઈને શિબિરનું વહીવટી કામ સોંપ્યું. શિબિરના વર્ગોમાંથી આવતો `ઓમ'નો નાદ આકર્ષી ગયો. 1992માં બિહારની મુંગેર સ્કૂલમાં 40 દિવસનો યોગ ટીચર ટ્રેનિંગ કોર્સ કરી પ્રમાણિત યોગ ટીચરનું પ્રમાણપત્ર મેળવ્યું. બસ, ત્યારથી પાછળ જોયું નથી અને યોગનાં માધ્યમે સમાજસેવા કરવાનું ધ્યેય પકડી લીધું. કમલભાઈએ 1992થી 2020 સુધી અંદાજે એક હજારથી વધારે યોગ શિબિરનું સંચાલન કર્યું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં માનદ્ યોગ સલાહકાર તરીકે યોગ વિભાગમાં પણ નિયમિત યોગ શિબિરનું સંચાલન કર્યું છે. 2004માં જી.કે. જનરલ હોસ્પિટલનાં નવનિર્માણ બાદ દરરોજ યોગ શિબિર તથા માર્ગદર્શનનું કાર્ય આરંભાયું, જે વર્ષો સુધી ચાલ્યું. કમલભાઈએ દુબઈ, સિંગાપુર, લંડન, ઓસ્ટ્રેલિયાનાં સિડની વગેરે દેશોમાં યોગ શિબિરો કરી છે. લંડનમાં તો એક શિબિર દરમ્યાન ત્યાંની હોટેલનો રિસેપ્શનિસ્ટ પણ યોગથી એટલો પ્રભાવિત થયો કે તેણે પણ શિબિરમાં ભાગ લીધો. ઓસ્ટ્રેલિયાનાં સિડનીમાં ત્યાંની કોલેજના યુવાનોએ પોતા માટે ખાસ શિબિર કરવા આગ્રહ કર્યો અને આઠ દિવસની રાત્રિ શિબિરનું આયોજન કર્યું, જેમાં યોગાસનથી યુવાનો ખૂબ આકર્ષિત બન્યા. 

Panchang

dd