ઇસ્લામાબાદ, તા. 20 : આતંકવાદને પોષવાનાં પાપની ભારે કિંમત પાકિસ્તાનને ચૂકવવી પડી
રહી છે. આજે શનિવારે બે બોમ્બ હુમલાથી ધ્રૂજી ઊઠેલા પાકના બન્નુ જિલ્લામાં સાત લોકોનાં
મોત થઇ ગયાં હતાં, તો અન્ય ત્રણ
ઘાયલ થઇ ગયા હતા. આતંકવાદને આશ્રય આપતાં પાકના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આતંકવાદી
સંગઠનોને આર્થિક મદદ કરનારાઓને ચેતવણી આપી હતી. ખતરનાક ધડાકા બાદ પહોંચી ગયેલા સુરક્ષાદળોએ
બચાવ રાહત કામગીરી શરૂ કરી હતી. પોલીસે તપાસ આદરી હતી. અહેવાલો અનુસાર, પ્રથમ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ડેટસન કંપનીનું એક ખાનગી વાહન મુસાફરોને લઈને
ડોમેલ તરફ જઈ રહ્યું હતું. આ જોરદાર વિસ્ફોટમાં વાહન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું
અને પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ બ્લાસ્ટના ઘાયલોને
સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે જ ઘટનાસ્થળથી
માત્ર એક કિલોમીટર દૂર આતંકીઓએ બીજો રિમોટ કંટ્રોલ બ્લાસ્ટ કર્યો હતો. આ બીજા વિસ્ફોટમાં
અન્ય એક વાહનના ફુરચા ઊડી ગયા હતા અને વધુ બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ `રેસ્ક્યૂ 1122'ની ટીમોએ બચાવ કામગીરી શરૂ
કરી હતી અને તમામ મૃતદેહો તથા ઘાયલોને ડોમેલ રૂરલ હેલ્થ સેન્ટર અને ખલીફા ગુલ નવાઝ
ટાચિંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આઇઈડી સર્ચ ઓપરેશન
શરૂ કર્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ આતંકી હુમલાની સખત શબ્દોમાં
નિંદા કરી છે. બન્નુના પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદી ગતિવિધિઓ
ખૂબ વધી ગઈ છે. એક સપ્તાહ પહેલાં જ આતંકીઓએ મિર્યાન રોડ પર આવેલા `તેરી રામ બ્રિજ'ને વિસ્ફોટકોથી ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. 12 જૂનના બન્નુમાં જ ટાર્ગેટ કાલિંગની
બે અલગ-અલગ ઘટનામાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. ગયા મહિને સુરક્ષા દળો અને આતંકીઓ
વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 25 આતંકવાદી
માર્યા ગયા હતા, જ્યારે બે પોલીસકર્મી અને
બે નાગરિકનાં પણ મોત થયાં હતાં.