ચેન્નાઇ, તા. 19 : ત્રણ મેચની વન-ડે શ્રેણી પહેલેથી
જ 2-0ની અપરાજિત સરસાઇથી ગજવે કરી
લેનારી ટીમ ઇન્ડિયા શનિવારે અફઘાનિસ્તાન સામેની અંતિમ મેચમાં તેની ઇલેવનમાં કેટલાક
પ્રયોગ સાથે ઉતરી શકે છે. જેના ભાગ રૂપે ઘૂંટણની ઇજામાંથી બહાર આવી ચૂકેલા ઝડપી બોલર
હર્ષિત રાણાનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇજાને લીધે ટી-20 વિશ્વ કપ અને આઇપીએલ ગુમાવનારા
હર્ષિત રાણાને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસની ટીમમાં જગ્યા મળી છે. એ પહેલાં તેની
ફિટનેસ ચકસવા માટે ત્રીજી વન-ડેની ટીમમાં સમાવેશ કરાયો છે. હર્ષિતનું ઇલેવનમાં સામલે
થવું નિશ્ચિત માનવામાં આવે છે. તેને જગ્યા આપવા માટે લગભગ અર્શદીપને આરામ મળી શકે છે.
ચેન્નાઇ વન-ડેમાં કેપ્ટન શુભમન ગિલના વર્કલોડને ધ્યાને રાખીને તેને પણ વિશ્રામ મળવાની
સંભાવના છે. આ સ્થિતિમાં શ્રેયસ ઐયર કેપ્ટનશિપ સંભાળી શકે છે અને વનડાઉનમાં આવી શકે
છે. ભારતીય ઈલેવનમાં નીતિશકુમાર રેડ્ડીની વાપસી
થશે. અનફિટ હોવાના લીધે તેણે બીજી મેચ ગુમાવી હતી. યુવા સ્પિનર હર્ષ દુબને પણ ઇલેવનમાં
વાપસીની સંભાવના છે. કોચ ગંભીર પહેલા જ કહી ચૂક્યા છે અને 2027 વન-ડે વિશ્વ કપ અગાઉ સંતુલિત
ટીમ તૈયાર કરવા તરફ ફોકસ કરી રહ્યા છે, જે માટે અફઘાનિસ્તાન સામેની શ્રેણી મહત્ત્વની છે. બીજી તરફ શ્રેણી ગુમાવી ચૂકેલી
અફઘાનિસ્તાન ટીમે પ્રોત્સાહક જીત માટે બોલિંગ-બેટિંગમાં સુધારો કરવો પડશે. ચેન્નાઇની
પીચ પર ઝાકળનો પ્રભાવ રહેશે. આથી બીજા દાવમાં સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.
અફઘાન પાસે સારા સ્પિન બોલર છે. જો કે, ભારતની મજબૂત બેટિંગ હરોળ
સામે અફઘાન સ્પિનર્સની આકરી કસોટી થશે. મેચ બપોરે 1.30થી શરૂ થશે.