• રવિવાર, 21 જૂન, 2026

અલ્પવૃષ્ટિ : કુદરત કે માનવસર્જિત ?

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ટ્રમ્પનું ટેરિફ આક્રમણ અને પશ્ચિમ એશિયાનાં યુદ્ધ - હોર્મુઝ ખાડીની નાકાબંધી - આ તમામ માનવસર્જિત આપત્તિમાં હવે કુદરતે પણ સાથ પુરાવ્યો છે ! યુદ્ધ બંધ થયા પછી પણ તેની અસર ઓછી થતાં મહિનાઓ - કદાચ વર્ષો વીતી જશે. પેટ્રોલ - ડીઝલનો ભાવવધારો જનજીવન ઉપર - રોજિંદાં અર્થતંત્ર ઉપર ભારે પડી રહ્યો છે. ભાવ વધ્યા, વધી રહ્યા છે ત્યાં હવે દુષ્કાળનાં `વાદળ' ઘેરાઈ રહ્યાં છે. હવામાન ખાતાંની આગાહી છે કે આ વર્ષે ચોમાસું ઘણું નબળું જશે. છેલ્લાં 11 વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે થશે એવી આગાહી છે. વરસાદ ઓછો થાય, દુષ્કાળ જેવી સ્થિતિ હોય ત્યારે માત્ર કૃષિ ઉત્પાદન જ નહીં, સમગ્ર અર્થતંત્ર ઉપર તેની અસર થાય છે. વિશ્વભરમાં નાણાપ્રધાનો ભલે એમનાં બજેટ સંસદ ભવનોમાં વાંચતા હોય, પણ બજેટ લખાય છે તો આકાશમાં ! કુદરત માણસનાં બજેટ ખોરવી નાખે છે : આજે આપણે કુદરતને નાથી શકતા નથી, પણ આપત્તિના પ્રતિકાર માટે તૈયારી તો કરી શકીએ છીએ. આપણે સ્વીકારવું જોઈએ કે દુષ્કાળ કુદરતની આપત્તિ હોવા છતાં માનવસર્જિત પણ છે. કુદરતી વનસંપત્તિ નષ્ટપ્રાય કરવામાં આવી રહી છે અને ઊંચી ઇમારતો બાંધવામાં, વિજ્ઞાન આધારિત યોજનાઓમાં પાણીની જેમ પાણીનો વ્યય થાય છે. બીજી બાજુ વરસાદનાં પાણીનો સંગ્રહ તથા સમુદ્રનાં પાણીનું શુદ્ધીકરણ કરીને બાંધકામમાં તેનો ઉપયોગ કરવામાં આપણે ઉદાસીન છીએ. રોજિંદા વપરાશ માટે પણ કરકસર અને કિંમત ચૂકવવી જોઈએ. આ દિશામાં જાગૃતિ ક્યારે આવશે ? આ વર્ષે વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતાં ઘણો ઓછો થવાનું અનુમાન છે તે મુજબ ખરીફ મોસમના પાક ચોખા, કઠોળ, તેલીબિયાં અને શાકભાજી ઉપર વિપરીત અસર પડશે. ભાવ વધશે. પેટ્રોલ - ડીઝલના ભાવવધારામાં વરસાદની અછત પણ સાથ પુરાવશે. ઉત્પાદન અને કમાણી ઘટતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિક માલસામાનની માંગ પણ ઘટવા પામશે. છેલ્લાં 12 વર્ષ દરમિયાન ગ્રામીણ અર્થતંત્રનો જે વિકાસ થયો છે તે ધીમો પડશે. ટ્રેક્ટર ઉપરાંત મોટર વાહનોની વધતી માંગ વિકાસની પારાશીશી હતી. આમ છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કિસાનોને `ડાયરેક્ટ' સહાય સાથે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેનાં કારણે દુષ્કાળની અસર ઓછી થવાની આશા છે. ભારત હવે માત્ર ખેતીપ્રધાન દેશ રહ્યો નથી. ઔદ્યોગિક ક્ષેત્રે પણ પ્રગતિ સાધી છે. વરસાદ ઉપર આધાર રાખતા ખરીફ પાકનાં ઉત્પાદન જેટલું જ ઉત્પાદન રવી મોસમમાં થાય છે. વર્ષ 2025 - 26માં ઘઉંનો પાક 12 કરોડ ટન થવાનો અંદાજ છે, જે આગલાં વર્ષ કરતાં ત્રણ ટકા વધુ હશે. કેન્દ્ર સરકારનાં ગોદામોમાં ઘઉં અને ચોખાનો બફરસ્ટોક, અનામત જથ્થો છે. ચોખા ચાર કરોડ ટન છે, જે છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ છે. ખુલ્લાં બજારમાં એક કરોડ ટનનાં વેચાણ પછી આ અનામત ભંડાર છે અને રાઇસ મિલર્સ પાસેથી આશરે ત્રણ કરોડ ટન ચોખા ફૂડ કોર્પોરેશનનાં ગોદામોમાં આવનારા છે. ફૂડ કોર્પોરેશન પાસે ચોખાનો વિપુલ સ્ટોક છે. દર વર્ષે ફૂડ કોર્પો. દ્વારા 36થી 38 મિલિયન ટન ચોખા અને 18થી 20 મિલિયન ટન ઘઉં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 81 કરોડ લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે, તે જોતાં અનાજનો પુરવઠો જાળવી રાખવાનો વિશ્વાસ સરકારને છે. નબળાં ચોમાસાંની આગાહી છે, પણ ખેડૂતો ડાંગર, કઠોળ અને તેલીબિયાંની વાવણી શરૂ કરી શકશે એવી આશા છે. આમ, અનાજના મોરચે પૂરી તૈયારી છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં મોસમનો 75 ટકા વરસાદ થતો હોય છે તેથી ભૂગર્ભ જળસ્તર પણ વધે છે તે જોતાં ઘરવપરાશ અને ઔદ્યોગિક વપરાશ માટે પાણી મળશે, પણ વપરાશમાં કરકસર અને નિયંત્રણ અનિવાર્ય હશે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે સહયોગની જરૂર રહેશે. આ વર્ષે ગરમી સખત પડી છે તેથી પાણી અને વિદ્યુતના વપરાશમાં પણ ઘણો વધારો થયો છે - આવી સ્થિતિ વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં છે. વિશ્વમાં સૌથી વધુ ગરમી ઉષ્ણતા હોય તેવાં 1000 શહેરમાં ભારતનાં 97 શહેર છે ! તેવામાં અલ નીનોની પધરામણી થઈ રહી છે તેથી દક્ષિણ આફ્રિકામાં વધુ - અતિવૃષ્ટિ અને ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા તથા દક્ષિણ એશિયામાં અલ્પવૃષ્ટિ - દુષ્કાળ જેવી સ્થિતિ હશે એવી આગાહી થઈ છે. રાબેતા મુજબનો 90 ટકા વરસાદ થાય તો સદ્નસીબ ગણાશે. આમાં પણ ઓગસ્ટ - સપ્ટેમ્બર રાહતરૂપ હશે. વડાપ્રધાન મોદીએ આ ઉષ્ણતામાનના ગાળામાં લોકોને ખુલ્લાંમાં બહાર નહીં ફરવાની સલાહ આપી છે તે સારી વાત છે, પણ આપણી વસતિના 19 ટકા લોકો હજુ છૂટક વ્યવસાયોમાં રોજી મેળવે છે અને બાવન ટકા લોકો ખેતરમાં કામ કરે છે, ફરજિયાત કરવું જ પડે. સત્તાવાર આંકડા મુજબ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 3000 માણસો ગરમીનાં કારણે મરણ પામ્યા છે. મધ્ય ભારતમાં રાજસ્થાન, બુંદેલખંડ અને દક્ષિણ ભારતમાં આ કેસ નોંધાયા છે. ગરમી અને હ્યુમિનિટી - ભેજને - સહન કરવાની શક્તિ ક્ષીણ થતાં માણસ બેથી છ કલાકની અંદર જાન ગુમાવે છે ! મહાનગર મુંબઈમાં કોંક્રિટ જંગલ ઊભાં થઈ રહ્યાં છે. ગગનચુંબી ઇમારતો પાણી અને વીજળી ખેંચે છે તેથી ભારે અછત સરજાય છે. હાઉસિંગ - સોસાયટીઓમાં વરસાદનાં પાણીનો સંગ્રહ કરવાની વાતો - ચર્ચા થઈ, પણ અમલ થતો નથી. અને, ભારે જળસ્રોત સમુદ્રમાં જાય છે! ભારત સરકારના આંકડા અનુસાર 166 જેટલાં વિશાળ જળાશયોમાં એપ્રિલમાં 71.08 બિલિયન ક્યુબિક મીટર પાણી હતું, તે પંદર દિવસમાં મેમાં ઘટીને 63.23 ક્યુબિક મીટર થઈ ગયું છે. 13 મોટાં તળાવોમાં 50 ટકા પાણી ઘટી ગયું છે. બીજી બાજુ, જળ આધારિત ઘણાં ક્ષેત્રોમાં પ્રવૃત્તિ વધી રહી છે ! ડેટા સેન્ટરો, ઇથાનોલ બ્લેન્ડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે ! અને આવાં ક્ષેત્રોનાં એકમો મહારાષ્ટ્ર, કર્ણાટક જેવાં જળ અછતના વિસ્તારોમાં છે. શેરડીને મબલખ પાણી જોઇએ, પણ ઇથાનોલનાં ઉત્પાદન માટે મંજૂરી અપાય છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલગાણા અને કર્ણાટકમાં - પાણીની અછત હોવા છતાં ડેટા - સેન્ટરોનાં `હબ' બન્યાં છે. આ ક્ષેત્રોના વિકાસ માટે જ્યાં પાણીની અછત હોય નહીં તેવા વિસ્તાર પસંદ કરવા જોઇએ, પણ `સમતોલ વિકાસ'નું આયોજન થાય છે ? મુંબઈમાં ઊભી થતી ગગનચુંબી ઇમારતોમાં આપણને વિકસિત મુંબઈ - શાંઘાઈ અને સિંગાપોરનાં દર્શન થાય છે, પણ આવી ઇમારતો બાંધવામાં એક ચોરસ મીટર માટે 21 હજાર લિટર પાણી વપરાય છે તેનો ખ્યાલ આપણને આવે છે ? હજુ તળ મુંબઈ અને પરાંઓમાં લોકો પીવાનું પાણી ભરવા માટે લાંબી લાઇનોમાં ઊભા હોય છે. વર્ષ 2019માં વરસાદ મોડો પડતાં સુધરાઈના વડા પ્રવીણ પરદેશીએ સાત જેટલા ગંદાં પાણીનાં શુદ્ધીકરણ પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી હતી. આવું પાણી મકાન બાંધકામમાં વાપરી શકાય. આજ સુધીમાં માત્ર એક પ્લાન્ટ કોલાબામાં કાર્યરત હોવાનું કહેવાય છે ! હેન્ગિંગ ગાર્ડન્સનાં પેટાળમાં પાણીના સંગ્રહની વ્યવસ્થા બ્રિટિશકાળની છે, તેનાં સમારકામનો વિવાદ ચાલે છે. આપણે સિમેન્ટ - કોંક્રિટનાં જંગલ માટે વૃક્ષોનું નિકંદન કર્યું છે તેની અસર પણ થઈ રહી છે. મુંબઈને અદ્યતન - શાંઘાઇ બનાવતાં રોજેરોજનાં વિજ્ઞાપનમાં સમુદ્રદર્શન મુંબઈની ચારે તરફ પાણીની લહેરોનાં દર્શન થાય છે, છતાં મુંબઈમાં પીવાનાં પાણીનો પ્રોબ્લેમ કાયમી છે. મુંબઈની નદીઓ ગંદાં નાળાં બની ગઈ છે ! ભૂતળ - ભૂગર્ભમાંથી જળ ખેંચવામાં આવે છે તેથી જળસ્તર નીચે ઊતરતાં જાય છે ! એક અહેવાલ મુજબ ભારતમાં વાર્ષિક 251 બિલિયન ક્યુબિક મીટર પાણી ખેંચવામાં આવે છે, જે વિશ્વમાં ચોથો ભાગ ભારતનો છે ! ભારતમાં પાણીનો માથાંદીઠ વપરાશ વર્ષ 2005માં પાંચ હજાર ક્યુબિક મીટર હતી તે 2021માં ઘટીને 1486 થઈ હતી. ભારતની 15 મુખ્ય નદીઓમાંથી 11માં પાણી ઘટી રહ્યાં છે. આપણે કેટલાં વર્ષો - દશકોથી નર્મદા હોય કે કાવેરીનાં પાણી વેડફ્યાં છે ? નદીનાં પાણીમાં પણ રાજકારણ રમાય છે ! 

Panchang

dd