નખત્રાણા, તા. 20 : અહીંની નગરપાલિકાની મળેલી પ્રથમ
અને સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ઉપરાંત પાણી, ગટર, વીજળી, રસ્તા સહિત વિવિધ વિકાસના પ્રશ્નો ઉકેલવા તથા નગરજનોને કનડતી સમસ્યાઓ નિવારવા,
રખડતા આખલા-ઢોરને પકડી પાંજરાપોળમાં પહોંચાડવાની ઝડપી કામગીરી હાથ ધરવા
તથા વેરા વસૂલાત માટે સક્રિય બનવા સહિતના મુદ્દાઓ ચર્ચાયા હતા. પ્રમુખ વસંતભાઈ વાઘેલાના
અધ્યક્ષસ્થાને યોજાયેલ સામાન્ય સભામાં ચીફ ઓફિસર ભાવિન કાંધાણીએ સ્વાગત પ્રવચન કર્યું
હતું. પ્રમુખસ્થાનેથી વસંતભાઈ વાઘેલાએ સભામાં
રજૂ થયેલા તમામ પ્રશ્નોના પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે, વેરા વસૂલાતની ક્ષમતાના આધારે પાલિકાને વિકાસ માટે મળતી સરકારી સહાયની ગ્રાન્ટ
વધુમાં વધુ મળે તે માટે પાલિકામાં ચૂંટાયેલા સમસ્ત નગરસેવકો પક્ષાપક્ષીને ભૂલી સૌ એકજૂટ
બની વેરા વસૂલાત માટે વધુમાં વધુ સહયોગ આપે તેવી અપીલ કરી હતી. પાલિકા પાસે દરેક વોર્ડમાં
વિકાસ માટેની રૂા. 40 લાખની પર્યાપ્ત
ગ્રાન્ટમાંથી દરેક વોર્ડના કાઉન્સિલરને રૂા. એક લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવી
જાહેરાત કરાઈ હતી. શ્રી વાઘેલાએ ત્રણ વર્ષથી ઉપર જેના બાકી લેણા હશે એવા ઘર-ધંધા પ્રતિષ્ઠાનોના
નળ કનેક્શન કાપી નાખવાની કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. રખડતા ઢોરોને પકડવા માટે
ટેન્ડર મંજૂર થઈ ગયા હોવાથી તુરંત કામગીરી હાથ ધરાશે. કારોબારી ચેરમેને જણાવ્યું હતું
કે, સૌના સાથ સૌના સહકારથી નખત્રાણાને વિકાસ ક્ષેત્રે
આગળ વધારવામાં આવશે. સભામાં ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી, સત્તાપક્ષના
નેતા સવિતાબેન સોલંકી, દંડક જાગૃતિબેન ઠક્કર, ગોવિંદ બળિયા, અમૃત જેપાર ઉપસ્થિત રહ્યા હતા.