• રવિવાર, 21 જૂન, 2026

અંજાર વીજતંત્રના રેકર્ડ રૂમમાં આગથી દોડધામ

અંજાર, તા. 20 : શહેરની પીજીવીસીએલ કચેરીમાં આવેલા રેકર્ડ રૂમમાં આગ ભભૂકી ઊઠતાં  સરકારી દસ્તાવેજ સળગીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગના બનાવના કારણે વીજતંત્રમાં ભારે દોડધામ થઈ પડી હતી. આ અંગે મળતી  વિગતો મુજબ આજે બપોરની આસપાસ અચાનક ભભૂકી ઊઠી હતી. ભયાનક આગના બનાવથી સમગ્ર શહેરમાં ભારે ચકચાર  પ્રસરી હતી તેમજ કચેરી પરિસરમાં અફરાતફરી અને ભગદડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આગની ઘટનામાં અનેક મહત્ત્વના દસ્તાવેજો, રેકર્ડ તેમજ ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છેજેના કારણે નુકસાનનું ચોક્કસ પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી. કચેરીના રેકર્ડ રૂમમાં અગમ્ય કારણોસર  આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં કર્મચારીઓ અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર ટીમ અને કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, ત્વરીત કામગીરીથી વધુ નુકસાન અટકયું હતું. જો કે, આગ લાગવા પાછળનું વાસ્તવિક કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી તેમજ  જવાબદાર તંત્ર દ્વારા પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.  સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ આગ લાગવાનું સાચું કારણ જાહેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી હતી, જેથી હકિકત સામે  આવે  ગેરરીતિ કે બેદરકારી જવાબદાર હોય, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી શકાય તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. 

Panchang

dd