મુન્દ્રા, તા. 20 : મુંદરા તાલુકાની ભૂખી નદીના નવસર્જનનું કામ ધમધોકાર ચાલી રહ્યું
છે. જળસંચય સાથે સાથે બગીચા, મિયાંવાંકી વન, બેઠક વ્યવસ્થા
સાથેની હરિયાળી સાધનારૂં આ નદી નવસર્જન કાર્ય માત્ર મુન્દ્રાના ગામડાંઓ સુધી જ મર્યાદિત
નહીં રહે, હવે પછીના તબક્કામાં મુન્દ્રા નગરને આવરી લેવાશે અને
શહેરને જોડતો નદી વિસ્તાર પણ સ્વચ્છ, હરિયાળો અને નવપલ્લવીત કરીને
વિશાળ રિવરફ્રન્ટનું નિર્માણ કરાવવાના બીજ રોપાઈ ગયા છે. ગ્લોબલ કચ્છ - કચ્છમિત્રના
ઉપક્રમે દિનદયાળ પોર્ટ ઓથોરિટીના માતબર આર્થિક સહયોગથી ભૂખી નદીને પુનર્જીવિત કરી હરિયાળા
વિસ્તાર તરીકે વિકસિત કરવાનો પ્રકલ્પ તો આગળ વધે જ છે અને હવે પ્રથમ તબક્કાનું મોડેલ
વર્ક પણ તૈયાર છે, ત્યારે તાજેતરમાં ગ્લોબલ કચ્છના મોવડી અને
કચ્છમિત્રની સંચાલક સંસ્થા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણીયાના
વડપણ હેઠળ મુન્દ્રા નગરપાલિકા અધ્યક્ષ, શહેરના આગેવાનો ઉપસ્થિતિમાં
મુન્દ્રામાં રિવરફ્રન્ટના નિર્માણ માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત થઇ હતી. ખાસ ઉપસ્થિત શહેર
સુધરાઈ પ્રમુખ ભોજરાજભાઈ ગઢવીએ નગરપાલિકા પરિવાર અને શહેરીજનો વતી આ કાર્યને વધાવીને
તમામ સહકારની ખાતરી ઉચ્ચારી હતી. કચ્છમિત્રના
કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી આ મુલાકાતમાં શહેરને જોડતા નદી વિસ્તારમાં હરિયાળા અને
મિયાંવાંકી વન નિર્માણના સૂચિત નકશા પર ચર્ચા થઈ હતી અને આગામી તબક્કામાં આ કાર્યમાં
આગળ વધવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો. મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણીયાએ સકારાત્મક
સૂચનના આપેલા ઈજન પ્રત્યે ઉત્સાહ બતાવી સહકારની ખાતરી આપી હતી. આ સાથે, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી ગઢવીનું સૌરાષ્ટ્ર ટ્રસ્ટના
મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણીયા તેમજ ટ્રસ્ટી સંજયભાઈ દામજીભાઈ એન્કરવાલાના હસ્તે સન્માન કરાયું હતું. પ્રતિભાવમાં શ્રી ગઢવીએ કચ્છમિત્રના કચ્છ અને મુન્દ્રાના
વિકાસ તેમજ લોક પ્રશ્નોને વાચા આપતા યોગદાનને બિરદાવીને મુન્દ્રાના વિકાસ માટે હંમેશાં
તત્પર રહેવા ખાતરી ઉચ્ચારી હતી. આ ચર્ચામાં નગરપતિ સાથે પ્રથમ નગરપતિ કિશોરાસિંહ પરમાર,
પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રણવભાઈ જોશી, સુધરાઈ
શાસક પક્ષના નેતા દિલીપભાઈ ગોર, શહેર ભાજપ મહામંત્રી હિરેનભાઈ
સાવલા, ભાજપ આગેવાનો કનૈયાભાઈ ગઢવી, હાર્દિકભાઈ
ગણાત્રા વગેરે ઉપસ્થિત રહીને શહેરના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સૂચનો અને સાથે
સહકારની ખાતરી ઉચ્ચારી હતી. આ સાથે મુન્દ્રાના આ આગેવાનોએ કચ્છમિત્ર ડિજિટલના ફોલોઅર્સનો આંક એક લાખના સીમાચિહ્નને પાર કરી ગયા બદલ અભિનંદન આપ્યા હતા.