નવી દિલ્હી, તા. 20 : સમગ્ર વિશ્વમાં
સોનાંની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાંનો એક મોટો ખજાનો હાથ
લાગ્યો છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લામાં આવેલાં જોન્નાગિરી
ગામમાં અંદાજે 50 ટન સોનાંનો ભંડાર હોવાની પુષ્ટિ
થઈ છે. આ મોટી શોધ બાદ આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાંનો સૌથી મોટો
સપ્લાયર પક્ષ બનીને ઊભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાંનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાંની આયાત (ઇમ્પોર્ટ) પર ભારતની નિર્ભરતા
પણ ઘણી ઓછી થશે. માઇન્સ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર મીણાએ એક પત્રકાર પરિષદમાં આ
અંગેની મહત્ત્વની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, એકલા
જોન્નાગિરીમાં જ અંદાજે 50 ટન સોનું
મોજૂદ હોવાનો અંદાજ છે. સ્થાનિક બજારમાં આ સોનાંની અંદાજિત કિંમત આશરે રૂા. 7,500 કરોડથી લઈને રૂા. 9,000 કરોડની વચ્ચે હોવાનું માનવામાં
આવે છે. લગભગ એક દાયકા પહેલા આ ગામમાં માઇનિંગ
માટે 1,500 એકર જમીન ફાળવવામાં આવી હતી.
હાલમાં માત્ર 500 એકર જમીન પર જ ખોદકામ અને સંશોધન
થયું છે, જેમાંથી 13 ટન સોનાંનો અંદાજ મળ્યો છે
અને બાકીની 1,000 એકર જમીન પર શોધખોળ થતાં આ
આંકડો 50 ટન સુધી પહોંચી જશે. રાજ્ય
સરકાર આ ખનિજસમૃદ્ધ વિસ્તારોના વધુ વિકાસ માટે પ્લાનિંગ કરી રહી છે. મુકેશકુમાર મીણાના
જણાવ્યા અનુસાર, સોનાંના માઇનિંગ માટે જોન્નાગિરી
ઉપરાંત અન્ય ચાર સંભવિત જગ્યાઓની પણ ઓળખ કરવામાં આવી છે. આ યાદીમાં રામાગિરી,
જવ્વકુલા, ચિગુરુકુંટા અને બિસ્નાટમનો સમાવેશ થાય
છે. સોનાંનું માઇનિંગ એ ખૂબ જ મોટું રોકાણ અને અત્યાધુનિક ટેક્નોલોજી માગી લેતું કામ
હોવાથી સરકારે પારદર્શક ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ માઇનિંગ રાઇટ્સ ખાનગી પ્લેયર્સને
સોંપ્યા છે. આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ અને ભારતની માઇનિંગ મહત્ત્વાકાંક્ષાઓ માટે એક
ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જોન્નાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન
(વ્યાપારી ઉત્પાદન)ની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ મહિનાના અંતમાં
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ આ જોન્નાગિરી ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટનું
સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.