• રવિવાર, 21 જૂન, 2026

ભુજમાં ફરી પાણી વિતરણ ખોરવાયું, નગરજનો ત્રસ્ત

ભુજ, તા. 20 : શહેરના પોશ ગણાતા ગાયત્રી મંદિર રોડ, વન વિહાર સોસાયટી, ઉત્કર્ષ-સંયુક્તા સોસાયટી, મંગલમ, શિવકૃપા નગર, રઘુવંશીનગર, ભાનુશાલી નગર સહિતના આસપાસની સોસાયટી વિસ્તારો હોય કે પછી કોટ અંદરના વિસ્તારમાં ફરી પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાતાં નગરજનો ત્રસ્ત બન્યા છે. ઉનાળા દરમ્યાન શહેરીજનોને અપૂરતા પાણી વિતરણની સમસ્યા લાંબા સમયથી સતાવી રહી છે, તેમ છતાં સત્તાધીશો આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી શક્યા નથી. અગાઉ મર્યાદિત વિસ્તાર ધરાવતા ભુજ શહેરમાં વાવ-કૂવા વાટે અથવા તો પાતાળકૂવા કે બોર વાટે સુધરાઈ દ્વારા પાણીનું વિતરણ કરાતું હતું પરંતુ જેમજેમ વસતી વધતી ગઈ તેમ પાતાળના પાણીયે ખૂટી ગયા અને છેવટે નર્મદાના પાણી પર આધાર રાખવો પડે છે. જોકે, થોડા સમય અગાઉ સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા કલેકટરે શહેરની આ સમસ્યા ઉકેલવા સુધરાઈ અને પાણી પુરવઠા શાખાના અધિકારીઓ, કર્મચારીઓની બેઠક બોલાવી ઉકેલ લાવવા તાકીદ કરી હતી, તેમ છતાં સ્થિતિ થાળે પડી હોય તેમ જણાતું ન હોવાનો ગંભીર આક્ષેપ નગરજનો ઉઠાવી રહ્યા છે. તો અગાઉ શહેરીજનોને નિયમિત અને પૂરતું પીવાનું પાણી મળી રહે તેના માટે પૂર્વ ધારાસભ્ય દ્વારા ભારાપર યોજના  હાથ ધરાઈ હતી તે પણ ફેઈલ ગઈ, ત્યારબાદ શહેરના હમીરસરને ઓગનાવતા રાજાશાહી વખતના ધુનારાજા ડેમમાંથી ભુજને પાણી વિતરણ કરવા પણ વર્તમાન ધારાસભ્ય કેશુભાઈ દ્વારા વિચારાણા હાથ ધરાઈ હતી તે યોજના પણ મૂર્તિમંત ન થઈ અને છેલ્લે તાલુકાના લેર ગામે આવેલા લેર ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ કરી શહેરને વિતરણ કરવાના વિકલ્પો વિચારાયા છે પરંતુ આ યોજના જ્યારે સાકાર થાય ત્યારે હાલ તો નગરજનો એકમાત્ર નર્મદાના પાણી પર નિર્ભર બની ગયા હોય તેવો તાલ સર્જાયો છે, જેથી ઉપલીકક્ષાએથી જેવું વિતરણ ખોરવાય કે ભુજના નાગરિકોને પાણી માટે વલખાં મારવા પડે અને અઠવાડિયે માંડ એકાદવાર પાણી નસીબ થાય છે. વળી ઉનાળાની સિઝનમાં પાણીનો વપરાશ પણ વધી જતો હોવાથી લોકોને ખાનગી ટેન્કરો મગાવવા પડે છે. બીજીબાજુ માળિયાથી આવતી નર્મદાની લાઈનમાં  અવારનવાર સર્જાતા ફોલ્ટ અથવા તો લાઈનો તૂટી જવાથી મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હોવાથી માંડ થાળે પડેલી વિતરણ વ્યવસ્થા ખોરવાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તેવો સવાલ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. દરમ્યાન આ અંગે ભુજના નગરપતિ શીતલ શાહનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, માળિયા-અંજારની નર્મદા લાઈનમાં ભંગાણ સર્જાતાં વિતરણ ખોરવાયું હોવાનું કબૂલી ગઈકાલે આ પ્રશ્ન ઉકેલાતાં ત્યાંથી પાણીનો જથ્થો રવાના થયો છે, જેથી આવતીકાલથી શહેરમાં નિયમિત વિતરણ થઈ જવાની હૈયાધારણ આપી હતી. 

Panchang

dd