• રવિવાર, 21 જૂન, 2026

નોકઆઉટમાં અમેરિકા : તુર્કી વિશ્વકપમાંથી આઉટ

નવી દિલ્હી, તા. 20 : ફિફા વિશ્વકપના ગ્રુપ સ્ટેજની મેચો રોમાંચક બની રહી છે. બ્રાઝિલે હૈતીને 3-0થી કચડીને અને  મોરક્કોએ સ્કોટલેન્ડ ઉપર 1-0થી જીત મેળવીને નોકઆઉટની પોતાની આશા મજબૂત કરી છે, તો બીજી તરફ સતત બે હાર સાથે હૈતી અને તુર્કીની વિશ્વકપની સફર ગ્રુપ સ્ટેજમાંથી જ પુરી થઈ  છે. આ ઉપરાંત અમેરિકાએ શાનદાર ફોર્મ જાળવી રાખતાં ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું અને સતત બે જીત સાથે ટૂર્નામેન્ટના રાઉન્ડ ઉપર 32મા ક્વોલિફાઈ કરનારી બીજી ટીમ બની છે.  પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ બ્રાઝિલે ફિફા વિશ્વકપ 2026માં દમદાર અંદાજમાં વાપસી કરતાં હૈતીને 3-0થી હરાવ્યું હતું. પહેલાના મુકાબલામાં મોરક્કો સામે 1-1થી નિરાશાજનક ડ્રો બાદ આલોચનાઓનો સામનો કરી રહેલી બ્રાઝિલની ટીમે આ વખતે સ્ટાર ખેલાડી વિનીસિયસ જૂનિયરના શાનદાર પ્રદર્શનના દમ ઉપર એકતરફી જીત મેળવી હતી. 20 જૂનના પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિનીસિયસ જૂનિયરે જોરદાર ગોલ કરવાની સાથે બે ગોલની તક બનાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મુકાબલાની શરૂઆતમાં જ બ્રાઝિલે આક્રમક રમત બતાવી હતી અને હૈતીની રક્ષા પંક્તિ ઉપર સતત દબાણ જાળવી રાખ્યું હતું. 23મી મિનિટે મેચનો પહેલો ગોલ થયો હતો. બાદમાં 36મી મિનિટે કુન્હાએ કોઈ પણ ભૂલ કર્યા વિના બ્રાઝિલની સરસાઈ બમણી કરી હતી. આ ઉપરાંત વિનીસિયસે પહેલા હાફમાં ઈન્જરી ટાઈમ દરમિયાન પોતે ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો હતો. આ જીત સાથે બ્રાઝિલે ગ્રુપ સીમાં સ્થિતિ મજબૂત કરી લીધી છે. અમેરિકાએ આગામી રાઉન્ડ માટે પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. ગ્રુપ ડીમાં અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું અને રાઉન્ડ ઓફ 32મા સ્થાન મેળવનારો બીજો દેશ બન્યો હતો.  મોરક્કોએ પણ શાનદાર પ્રદર્શન કરતા ગ્રુપ સીના મુકાબલામાં સ્કોટલેન્ડને 1-0થી હરાવ્યું હતું, જ્યારે ગ્રુપ ડીના અન્ય એક મુકાબલામાં પરાગ્વેએ તુર્કી ઉપર 1-0થી જીત મેળવી હતી. મેચની શરૂઆત જ પરાગ્વે માટે ધમાકેદાર રહી હતી અને બીજી જ મિનિટે ગાલાર્ઝાએ ગોલ કર્યો હતો.  

Panchang

dd