• શુક્રવાર, 19 જૂન, 2026

ઉદ્યોગ ગુર્જરી : સ્થાનિક સ્તરથી વિશ્વ સુધી

ક્ષેત્ર કોઈ પણ હોય, વૈશ્વિક હોવું એ ગુજરાતની તાસીર છે અને ગુજરાતીઓનો સ્થાયીભાવ છે. આ વિશ્વસ્તરની ઉન્નત દૃષ્ટિ, પારાવાર પરિશ્રમ થકી પ્રગતિ કરવાની માનસિકતાનો પડઘો રાજ્યની નવી ઉદ્યોગનીતિમાં સંભળાયો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે તેવી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉક્તિ ચરિતાર્થ કરવાના સાતત્યપૂર્ણ પ્રયાસના ભાગરૂપે આ ઉદ્યોગનીતિ ઘડાઈ હોવાનો અણસાર સ્પષ્ટ છે. 3.5 ટ્રિલિયન ડોલરનાં અર્થતંત્રનાં લક્ષ્ય સાથે જાહેર થયેલી આ નવી ઉદ્યોગનીતિનો સૂર લોકલથી ગ્લોબલ સુધીનો છે. સંશોધન અને નવીનીકરણને તેમાં સ્થાન છે અને મહિલા ઉત્કર્ષની પણ વાત છે. નીતિ ફક્ત સરકાર જ ઘડે અને અમલ કરે તેમ નહીં, પરંતુ ઉદ્યોગકાર અને ઉદ્યોગ સાહસિક પણ તેમાં સહભાગી થાય તેવું લોકશાહી મોડેલ આ વખતે રજૂ થયું છે. ગુજરાતની નવી ઉદ્યોગનીતિમાં યુઝ યોર ઈન્સેન્ટિવ - ચૂઝ યોર ઈન્સેન્ટિવ એટલે કે સબસિડીની નવી જ પદ્ધતિ દાખલ કરાઈ છે. રોકાણકારોને સ્થિતિસ્થાપક આર્થિક માળખું આપવા માટે આ યોજના અખત્યાર કરાઈ છે અને ફક્ત ગુજરાત નહીં, દેશના ઈતિહાસમાં આ પ્રથમ પ્રયોગ છે. ઉદ્યોગ વિકસે છતાં શહેરમાં ગીચતા અને પ્રદૂષણ ન થાય તે હેતુથી શહેરની આસપાસના વિસ્તારમાં તેનું વિસ્તરણ વધારવા માટે લક્ષ્યાંક આધારિત પર્યાવરણીય રીતે પણ સાનુકૂળ નવાં સ્થળ (ટાર્ગેટેડ હેબિટાટ રિલોકેશન ફોર ઈન્ડસ્ટ્રિયલ વાઈટાલિટી એન્ડ એન્વાયરમેન્ટલ ઈઝ) વિકસાવવાની યોજના અહીં છે.  ગુજરાત સંશોધન અને નાવીન્યસભરતા (રિસર્ચ અને ઈનોવેશન્સ)નું કેન્દ્ર બને તે માટે રાજ્ય સરકારે 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. એન્ટરપ્રિન્યોર્સ માટે નવા આયામો રચવા માટે એક ઉત્તમ તક છે. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે પણ અહીં જોગવાઈ છે. સ્ટાર્ટઅપનાં માધ્યમથી યુવાનો માટે સર્જનાત્મક રોજગારીની તક ઊભી થશે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ઉદ્યોગનીતિને ઉદ્યોગકારોના સીમાડામાંથી બહાર કાઢીને નવસાહસિકો સુધી વિસ્તારીને યુવાનોને પ્રોત્સાહન આપવાનો અભિગમ દર્શાવ્યો છે. અંદાજ એવો છે કે, પંચવર્ષીય એવી આ ઉદ્યોગનીતિના અમલથી ગુજરાતમાં કુલ 10 લાખ કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ આવશે. `વોકલ ફોર લોકલ'નું સૂત્ર તો નરેન્દ્રભાઈ મોદીએ તેમની અગાઉની ટર્મમાં દેશને આપ્યું હતું, ગુજરાત સરકારની આ ઉદ્યોગનીતિ લોકલ ટુ ગ્લોબલ - સ્થાનિક કક્ષાથી સૃષ્ટિનાં સ્તર સુધી પહોંચી રહી છે.  સરકારનો દાવો છે કે, ધોલેરા, ગાંધીનગર પાસેના ગિફ્ટસિટી સહિતના પ્રકલ્પો થકી આગામી પાંચ વર્ષમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારી, આર્થિક રોકાણનો સુવર્ણ ઈતિહાસ રચાશે. દેશ સ્વતંત્રતાની શતાબ્દી મનાવે, ત્યારે 2047માં ગુજરાતને 3.5 ટ્રિલિયન યુએસ ડોલરનું અર્થતંત્ર બનાવવાનું સપનું અહીં સેવાયું છે. ગુજરાતની આ નવી ઉદ્યોગનીતિ ઉત્કર્ષનો ઉદ્ગાર છે. તેની સાથે જ કેટલીક બાબતોનું સ્મરણ થાય, રાજકોટ પાસે અગાઉ ઓટો પાર્ક, જેતપુર પાસે ટેક્સટાઈલ પાર્ક બનાવવાની યોજના જાહેર થઈ હતી. નવી નીતિની સાથે આ જૂની વાતો પણ સમાવી લેવામાં આવે તો સાતત્ય જળવાઈ રહે. ગુજરાતની આ નવી ઉદ્યોગનીતિ દેશના અન્ય રાજ્યો માટે પણ દિશા ચિંધનારી બની શકે તેમ છે. -ને સંભાવના કચ્છ માટે : અપાર ઔદ્યોગિક વિકાસ અને કંડલા-મુંદરા મહાબંદરોના વ્યવહારને લીધે ગુજરાતનું ગ્રોથ એન્જિન બની રહેલા કચ્છ માટે નવી ઉદ્યોગનીતિ ગેમ ચેન્જર બની શકે છે એવી સ્થાનિક ઉદ્યોગકારો અને જાણકારોને ઉમ્મિદ છે. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને ઉપલબ્ધ વિશાળ જમીન, સમુદ્ર તટ, મેદાની ક્ષેત્ર ચાવીરૂપ પરિબળો છે. આ સીમાવર્તી જિલ્લાની વિકાસ પ્રક્રિયાનો ઝીણવટથી અભ્યાસ કરનારા કહે છે કે, કચ્છ અત્યારે એશિયાનું ગ્રીન એનર્જી હબ છે જ, લેન્ડ બેન્કને જોતાં આવનારા દાયકામાં વધુ 10 લાખ કરોડનું મૂડીરોકાણ ખેંચાઇ આવશે એવી પૂરી સંભાવના છે. અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ માટે 35 ટકા સબસિડી ખૂબ મોટું પ્રોત્સાહન બનશે. આ નીતિ પછી અત્યાર સુધી વિકાસમાં પાછળ રહી ગયેલા પશ્ચિમ કચ્છના અબડાસા-લખપત અને પૂર્વ કચ્છના રાપર તાલુકાને ફાયદો થશે. કેમ કે, આ તાલુકાઓને કેટેગરી એ અને બીમાં સમાવ્યા છે. સરકારનો દૃષ્ટિકોણ જિલ્લાના સંતુલિત ઔદ્યોગિક વિકાસનો હોવાનું સમજાય છે. 

Panchang

dd