તેહરાન, તા. 20 : મધ્ય-પૂર્વમાં શાસકોનાં મગજ
બંધ પડી ગયાં હોય, તેવું લાગી
રહ્યું છે. સહમતી સધાયાના માત્ર આઠ કલાકમાં જ યુદ્ધવિરામ ભંગ કરતાં ઇઝરાયલે ફરી દક્ષિણ
લેબેનોન પર લોહિયાળ હવાઇ હુમલા કર્યા હતા, જેમાં 16 લોકોનાં મોત થઇ ગયાં હતાં.
શાંતિ સમજૂતીની મહત્ત્વની શરત તોડતાં લેબેનોન પર કરાયેલા આ હુમલાથી માંડ શાંતિના પંથે
પરત ફરેલું ઈરાન ધૂંધવાયું હતું અને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી નાખ્યું હતું. ઈરાનનાં
આ પગલાંએ નવેસરથી દુનિયામાં ઉચાટ ફેલાવ્યો હતો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ
જણાવ્યું હતું કે, પોતાની સુરક્ષા
સાથે કોઇ જ બાંધછોડ નહીં કરતાં ઇઝરાયલ ગાઝા અને લેબેનોનમાં સૈન્ય હુમલા જારી રાખશે.
બીજી તરફ, લોહિયાળ સંઘર્ષ વચ્ચે અમેરિકા અને ઇરાનની શાંતિ સમજૂતી
બાદ આગળની વાતચીત માટે વિશેષ દૂત સ્ટીવ વિટકોફ શનિવારે સ્વિત્ઝર્લેન્ડ રવાના થયા હતા.
દરમ્યાન, ગઇકાલ શુક્રવારની રાતથી દક્ષિણ લેબેનોન અને બેકા ઘાટીમાં શરૂ થયેલા તેલ
અવીવના હવાઇ હુમલાઓમાં કુલ 47 લોકોનાં મોત થઇ ચૂકયાં છે,
તો 97 ઘાયલ થયા
છે. ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી પણ અમેરિકા
સાથે આગળના દોરની વાતચીત માટે સ્વિત્ઝર્લેન્ડ જવાની તૈયારીમાં હોવાના અહેવાલ મળ્યા
હતા. દરમ્યાન, હિઝબુલ્લાહના એક વરિષ્ઠ
નેતાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઇઝરાયલની સેના લેબેનોનની
જમીન પર મોજૂદ છે, ત્યાં સુધી શાંતિ સમજૂતીની કોઇ પણ કોશિશ વ્યર્થ
છે. હિઝબુલ્લાહના પ્રતિનિધિ અલી ફય્યાદે જણાવ્યું હતું કે, હુમલા
આમ જ જારી રહેશે, તો યુદ્ધવિરામ સમજૂતી જેવી કવાયતો કરવાનો કોઇ
મતલબ નથી રહી જતો. અમારો આત્મરક્ષાનો અધિકાર પૂર્ણપણે યોગ્ય છે અને તેના પર કોઇ જાતની
વાતચીત થઇ શકતી નથી, તેવું તેમણે કહ્યું હતું. બીજી તરફ ઇરાનમાં
અમેરિકા સાથે થયેલી સમજૂતી સામે ઘરેલુ વિરોધ વધતો જઇ રહ્યો છે. ઇરાનની એક એજન્સીએ વિદેશમંત્રી
અરાઘચીને અમેરિકાના વિશેષ દૂત વિટકોફ સાથે મુલાકાત માટે યુરોપ નહીં જવાની ચેતવણી આપી
હતી. શાંતિ સમજૂતીના 14 મુદ્દાની
પહેલી શરત લેબેનોન પર હુમલા રોકવાની હતી, જે હવે તૂટી ચૂકી હોવાથી અમેરિકી સાથે વાતચીત ચાલુ રાખવી મોટી ભૂલ લેખાશે,
તેવું ઇરાની એજન્સીએ જણાવ્યું હતું.