અમદાવાદ,તા.20 (અમારા પ્રતિનિધિ તરફથી) : વન્યજીવોની
સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા ડોલ્ફિનના સંરક્ષણ-સંવર્ધનમાં ગુજરાતે મહત્વનું
યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળચર- વન્ય જીવ સંરક્ષણ
અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે વર્ષ-2025ની છેલ્લી ગણતરી મુજબ રાજ્યના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં
અંદાજે 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે, રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એવા શિવરાજપુર
અને પોશિત્રાનો દરિયાકિનારો ડોલ્ફિન માટે બેસ્ટ સ્પોટ તરીકે પણ ઓળખાય છે. અહીં પાણી
ખૂબ જ સ્વચ્છ હોવાથી ડોલ્ફિન સરળતાથી દેખાઈ આવે છે. તેમ,વન અને
પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે,
કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના,
ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચો.કિ.મીનીના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે.
જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1,821 ચો.કિ.મી.માં 168, ભાવનગરના 494 ચો.કિ.મી.માં 10 તેમજ મોરબીના 388 ચો.કિ.મી.માં ચાર ડોલ્ફિન જોવા
મળી છે. આમ,કચ્છના અખાતમાં આવેલો આ
ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ડોલ્ફિનનું મુખ્ય ઘર છે. મંત્રીએ કહ્યું હતું
કે, સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી
છે. ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું
યોગદાન પણ એટલું જ મહત્વનું છે.