ગાંધીધામ, તા. 20 : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં
આવેલી કેબિનોમાં ચામાં નશીલા પદાર્થ પીરસાતા હોવાની ફરિયાદો વચ્ચે રેન્જસ્તરે પોલીસ
ટુકડીએ ગાંધીધામમાં કાર્યવાહી કરી હતી. પોલીસે ચાની દુકાનમાં દરોડો પાડીને રૂા.10050ના દારૂ સાથે નશા કરવાની ગોળીઓ, સિરપ સહિતનો મુદ્દામાલ અંકે કર્યો હતો. પોલીસે
મહાનગરપાલિકા પાસે અગ્રેસન ભવન સામે દુકાન
નં.-4માં આવેલી મંત્રી અમુતુલ્ય ચામાં દરોડો પાડયો હતો. અહીંથી ભારતીય બનાવટની કિંગ ફિશર બીયર નંગ. 72 કિં. રૂા.9000, મેજિક મૂવમેન્ટ જામુન વોડકાના
ક્વાર્ટરિયા નંગ. સાત કિં. રૂા. 1050 સાથે કુલ
રૂા. 10050નો મુદ્દામાલ હસ્તગત લેવાયો
હતો. આ કાર્યવાહીમાં આરોપી હેમાંગ ઉર્ફે રામ પ્રવીણકુમાર ગોકલાણી (ઠક્કર)ની 10 હજારની કિંમતના મોબાઈલ ફોન
સાથે કુલ રૂા. 20050ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળે નશા કરવાની અલગ-અલગ પ્રકારની ગોળીઓ અને સિરપ પણ મળી આવી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીના અહેવાલ
બાદ આ અંગે અલગની ગુનો નોંધાવામાં આવશે તેવું પોલીસે ઉમેર્યું હતું. સમગ્ર મામલે
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પીએસઆઈ અશોકકુમાર વાઘેલા તપાસ ચલાવી રહ્યા છે. નોંધપાત્ર છે કે,
થોડા સમય અગાઉ કચ્છમિત્ર દ્વારા
ચાની આડમાં નશીલો પદાર્થ પીરસાતો હોવા અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. ત્યારબાદ પોલીસે
આ દિશામાં તપાસ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી.