ભુજ/ગાંધીધામ, તા. 18 : કચ્છમાં વિકાસનો
પવન તેજ ગતિએ ફૂંકાતાં આ તેજ પવનની ઊર્જાનો લાભ લેવા વિવિધ કંપનીઓની પવનચક્કીઓ ઠેર-ઠેર
જોવા મળી રહી છે, ત્યારે લેભાગુ
તત્ત્વો એવા નિશાચરો પણ સમયાંતરે આવી પવનચક્કીઓ પર ડોળો જમાવી હાથ અજમાવતા કિસ્સા રોજિંદા
બન્યા છે અને આવી ચોરી અંગે સતત પોલીસ ફરિયાદો દાખલ થતી રહે છે, ત્યારે વધુ આવી ત્રણ ચોરી નોંધાઇ છે, જેમાં ભુજ તાલુકાના
ગજોડની સીમમાંથી 28.56 લાખના સામાનની, જ્યારે નખત્રાણા તાલુકાના મોતીચૂર - પૈયા -
ગેચડાની સીમમાંથી રૂા. 3.40 લાખના વીજતારની
અને ભચાઉ તાલુકાના નવાગામ (અમૃતપર)ની સીમમાંથી રૂા. 42 હજારના વાયરની ચોરી પોલીસ ચોપડે
દાખલ થઇ છે. માનકૂવા પોલીસ મથકે ખાનગી સિક્યુરિટી સર્વિસના સુપરવાઇઝરે નોંધાવેલી ફરિયાદ
મુજબ ગજોડ વિસ્તારમાં અદાણી કંપનીની પવનચક્કીમાં ચોરી થયાનું સામે આવતાં આ વિસ્તારની
તમામ પવનચક્કીઓ ચકાસતાં તા. 25/3થી તા. 30/3 સુધી પવનચક્કીના લોકેશન નં.
22, 114, 37, 112, 117, 92 તથા 106 ઉપરથી પવનચક્કીના ટ્રાન્સફોર્મરમાંથી
કુલ 28 કોપર પ્લેટ જેની કિં. રૂા.
20,16,000 તથા 56 જમ્પર જેની કિં. રૂા. 8,40,000 એમ કુલે રૂા. 28,56,000ના મુદ્દામાલની કોઇ અજાણ્યા
ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા છે. પોલીસે ચોરીનો ગુનો
દાખલ કરી તપાસ હાથ ધરી છે. નિરોણા પોલીસ મથકે કે.પી. એનર્જીના ડેપ્યુટી મેનેજર વિવેક પંચાલે નોંધાવેલી
ફરિયાદ મુજબ નખત્રાણા તાલુકાના મોતીચૂરથી પૈયા તરફ જતા રસ્તે આવેલા 33 કે.વી.ના વીજતાર તથા ગેચડાથી
પૈયા તરફના 33 કે.વી.ના વીજતાર ગત તા. 5/6થી 6/6 દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમો
ચોરી કરી લઇ ગયા હતા. આ વીજતારની કુલ કિં. રૂા. 3.40 લાખ થવા જાય છે. પોલીસે ફરિયાદ દાખલ કરી છાનબીન આદરી છે. બીજી
તરફ ભચાઉના નવાગામ (અમૃતપર)માં સુઝલોન કંપનીની
પવનચક્કી આવેલી છે. જ્યાં સુરક્ષા કર્મીઓ પણ હોય છે,
ત્યાં આવેલી એસ-222 નંબરવાળી પવનચક્કી પાસે સુરક્ષા કર્મીઓ જતાં તેનાં તાળાં તૂટેલાં
જણાયાં હતાં અને ચોરી થયાનું બહાર આવ્યું હતું. અહીંથી તસ્કરોએ 240 એસ.ક્યુ.એમ.એમ.નો 180 મીટર તથા 180 એસ.ક્યુ.એમ.એમ.નો 30 મીટર એમ કુલ રૂા. 42,000ના વાયરની ચોરી કરી નાસી ગયા
હતા. ગત તા. 1/6ના બનેલા આ બનાવ અંગે સામખિયાળી
પોલીસે ગઇકાલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.