ગાંધીધામ, તા. 16 : અહીંના જવાહરનગર નજીક આવેલ
એક હોટેલમાં પોલીસે છાપો મારી રૂા. 2,09,000ના પોષડેડા સાથે બે શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં
વેચનાર અને ખરીદનારનાં નામ બહાર આવ્યાં હતાં. ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર જવાહરનગરની
સીમમાં નીલકંઠ પાર્કિંગમાં આવેલી જયશ્રી બાબા રામદેવ હોટેલમાં એલ.સી.બી.એ પૂર્વ બાતમીના
આધારે છાપો માર્યો હતો. આ હોટેલમાંથી મૂળ રાજસ્થાનના મનોહરરામ જગમાલરામ રાહડ (બિશ્નોઈ)
તથા ચૂનારામ ભગારામ ખોત (જાટ) નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંનેને સાથે
રાખી માદક પદાર્થ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. બંનેએ રસોડાનો સામાન રાખવાના રૂમમાંથી
બોક્સ કાઢી આપ્યું હતું, જેમાં થેલીમાંથી પોષડેડાના ઠાલિયા મળી આવ્યા હતા. વધુ પૂછપરછ
કરાતાં રસોડામાંથી બીજું બોક્સ કાઢી આપ્યું હતું, જેમાંથી પણ ઠાલિયા મળી આવ્યા હતા.આ
બંને બોક્સમાંથી 19 કિલો પોષડેડાના
ઠાલિયા કિંમત રૂા. 2,09,000નો માદક પદાર્થ જપ્ત કરાયો હતો. આ હોટેલના સંચાલક દેવારામ ઉર્ફે દેવો ગુમનારામએ
આ માદક પદાર્થ મગાવ્યો હતો તેમજ મનોહરલાલ બિશ્નોઈ જોધપુર જઈ મધ્યપ્રદેશના અનિલ મેઘવાળથી
આ પદાર્થ લઈ આવ્યો હતો અને દેવાને આપી દીધો હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા બંને
શખ્સ પાસેથી માદક પદાર્થ, મોબાઈલ, રોકડ રકમ જપ્ત કરવામાં આવ્યા હતા. દેવો અને અનિલને
પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.