• રવિવાર, 17 મે, 2026

વિશ્વનાં શ્રેષ્ઠ સંગ્રહાલયોમાં ગણના પામ્યું છે સ્મૃતિવન

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : થોડાં વર્ષ પહેલાં પેરિસનાં લૂવર મ્યુઝિયમની મુલાકાત લીધી, ત્યારે વિસ્મિત થવાયું હતું કે આટલી ભવ્યતા ? અને સાચવણ ? પ્રશ્ન એ પણ ઉદ્ભવ્યો કે આવાં વર્લ્ડ ક્લાસ સંગ્રહાલય આપણે ત્યાં કદી થઈ શકશે ? લૂવર મ્યુઝિયમે વર્ષોથી વિશ્વનાં સૌથી વધુ મુલાકાત લેવાયેલાં મ્યુઝિયમમાં ટોચનું સ્થાન જાળવ્યું છે. ગયાં વર્ષે 2025માં 90 લાખ લોકો એ મ્યુઝિયમ નિહાળવા પહોંચ્યા હતા. એ ઘટનાનાં થોડાં વર્ષોમાં જ મનને સંતોષ થયો. આપણે પણ કોઈથી પાછળ નથી. 28મી ઓગસ્ટ, 2022ના કચ્છની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ `સ્મૃતિવન'નું ઉદ્ઘાટન કર્યું, એ સાથે કચ્છ અને ગુજરાતની ધરતી પર ઈતિહાસ રચાયો. આ વિશ્વસ્તરીય અર્થક્વેક મેમોરિયલ એન્ડ મ્યુઝિયમે ટૂંકાગાળામાં લાંબી છલાંગ મારી અને ભારતનાં સૌથી પ્રભાવશાળી સંગ્રહાલયોમાં સ્થાન મેળવી લીધું છે. સાડા ત્રણ વર્ષમાં કેટકેટલાય એવોર્ડ અને સન્માન પ્રાપ્ત કર્યાં છે. સ્મૃતિવનની મુલાકાત લેનારા પ્રવાસીઓ કહે છે કે કચ્છમાં જોવા જેવું ઘણું છે, પણ આ સ્થળ અનુભવવાનું છે. એ અઢી કલાકની જર્નીમાંથી પસાર થઈને બહાર આવતા સંવેદનશીલ પ્રવાસીની એક આંખમાં ભૂકંપની વેદના, વિનાશની પીડાની સ્મૃતિ હોય છે, તો બીજી આંખમાં પુનર્નિર્માણની ભવ્યતા અને ગૌરવ છલકતાં દેખાય... સ્મૃતિવન મ્યુઝિયમને 2024માં તેનાં ઈન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું સન્માન મળ્યું હતું. યુનેસ્કોએ તેનો વિશ્વનાં શ્રેષ્ઠ સાત સંગ્રહાલયની યાદીમાં સમાવેશ કર્યો છે. અઢી વર્ષમાં દસેક લાખ પ્રવાસી સ્મૃતિવનના સાક્ષી બની ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. મોદીજી કહે છે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય માત્ર એક સંરચના કે માળખું નથી, બલ્કે 2001ના ધરતીકંપમાં જીવન ગુમાવનારાઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ તેમજ કચ્છના લોકોની અસાધારણ હિંમત અને પુરુષાર્થનું પ્રતીક છે. આવતીકાલે 18મી મેના `વર્લ્ડ મ્યુઝિયમ દિવસ' છે, એ નિમિત્તે ફરી એક લટાર મારીએ સ્મૃતિવનની સ્મૃતિઓમાં... કચ્છ ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠેલો પ્રદેશ છે. અહીં કેટલાંય સ્મારક અને સંગ્રહાલય આવેલાં છે. રાજાશાહી વખતની સ્મૃતિઓ, ભવ્ય ભૂતકાળનાં પ્રતીક ચિહ્નો સચવાયેલાં છે. એ સિવાય ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતી આ ધરતીને ધમરોળીને અને વીરલાઓએ ઈતિહાસની કડી જોડવાનો અથવા તો સેંકડો - હજારો વર્ષ પૂર્વેની જીવસૃષ્ટિ કે માનવ સભ્યતાનાં પ્રતીકોને ફંફોસી ફંફોસીને ભાવિ પેઢી માટે સાચવવાની મથામણ કરનારા વીરલાઓ કચ્છની ભૂમિ પર પાક્યા છે. મોહનસિંહ સોઢાએ સેંકડો ફોશિલ્સ ભેગાં કર્યાં અને જાતમહેનતથી ફોશિલ પાર્ક ઊભો કર્યો. મોહનસિંહ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી... ભુજ ખાતેનું કચ્છ સંગ્રહાલય પણ અનેક અલભ્ય - ઐતિહાસિક તવારીખનું સ્મારક બનીને ઊભું છે. આયના મહેલ, ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ મ્યુઝિયમ પણ અનોખી વિરાસત સાચવી બેઠું છે. સ્મૃતિવન નરેન્દ્રભાઇનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી તેનું નિર્માણ મબલખ નાણાં ખર્ચીને થઇ શક્યું છે. આજે તેની ભારતનાં સૌથી મોટાં અત્યાધુનિક મ્યુઝિયમના ગણના થાય છે. અલગ અલગ સાત બ્લોકમાં પુનર્જન્મથી લઇને પુનનિર્માણની ગાથા સચવાયેલી છે. જીએમડીસીએ સંચાલિત આ મ્યુઝિયમ માટેનાં તથ્યો અને સામગ્રી પૂરી પાડવામાં કચ્છમિત્રએ સહયોગી રહ્યું છે, એનું જન્મભૂમિ ગ્રુપને ગૌરવ છે. 2001ના ધરતીકંપને ગઇ 26 જાન્યુઆરીએ 25 વર્ષ થયાં, એ નિમિત્તે `સ્મૃતિ વંદના' કાર્યક્રમ સ્મૃતિવન પરિસરમાં યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહીને ભૂકંપપીડિતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ભુજિયો ડુંગર 470 એકરમાં પથરાયેલો છે, જેમાંથી 175 એકરમાં સ્મૃતિવન છે. આ ભૂમિ ખડકાળ હોવા છતાં વૈજ્ઞાનિક ઢબે હરિયાળું જંગલ ઊભું થયું છે. જાપાનની મિયાવાકી પદ્ધતિથી અહીં પાંચેક લાખ વૃક્ષ વાવવામા આવ્યાં છે. સ્મૃતિવનનું આ જંગલ કાળઝાળ ગરમી અને તાપમાં શીતળતાનો અનુભવ કરાવે છે. 50 જેટલા ચેકડેમ જળસંચય માટે ઉપયોગી છે. સ્મૃતિવન પ્રવાસનનું અદ્યતન આકર્ષણ છે. સનસેટ પોઇન્ટ, આઠ કિ.મી. લંબાઇના આંતરિક રસ્તાઓ, સોલાર પાવર પ્લાન્ટ, વિશાળ પાર્કિંગ, વોક - વે ઉપરાંત સ્મૃતિવનને અડીને આવેલું રિજિયોનલ સાયન્સ સેન્ટર પણ મુલાકાત લેવા જેવું સ્થાન છે. દેશ - વિદેશના પ્રવાસીઓ - અભ્યાસુ સ્મૃતિવનની મુલાકાતે આવે છે. સ્થાનિક કચ્છીઓએ પણ તેનો લાભ અવશ્ય લેવો જોઇએ... 

Panchang

dd