• રવિવાર, 17 મે, 2026

એલન (93) ઝળક્યો; કોલકાતાની 29 રને જીત

કોલકાતા, તા. 16 : પોઇન્ટ ટેબલ પર અગ્રિમ સ્થાન ધરાવતી ગુજરાત ટાઇટન્સની પાંચ જીત બાદ શનિવારે હાર થઇ હતી, તો તળિયાંની કોલકાતા નાઇટ રાઇડર્સે 29 રને જીતનો સ્વાદ ચાખી પ્લેઓફની આશા જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. 248નાં જંગી લક્ષ્ય સામે ટાઇન્સ 218 રન સુધી સીમિત રહી હતી. અદ્ભુત અર્ધસદી કરનાર ફીન એલન (93), અણનમ રહેલો અંગક્રિષ રઘુવંશી (82) વિજયના શિલ્પી બન્યા હતા. ગુજરાતના સુકાની શુભમન ગિલ (85)ની અર્ધસદી એળે ગઇ હતી. લક્ષ્યવેધ માટે દાવમાં ઊતરેલી ગુજરાતે 49 રને પહેલી વિકેટ ખોયા પછી જામી ગયેલા ગિલે કેપ્ટન ઇનિંગ્સ રમી બતાવતાં 49 દડામાં પાંચ ચોગ્ગા, સાત છગ્ગા સાથે 85 રન ફટકાર્યા હતા. સાઇ સુદર્શને 28 દડામાં છ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 53, જોસ બટલરે 35 દડામાં પાંચ ચોગ્ગા, બે છગ્ગા સાથે 57 રન કર્યા હતા. આજની મેચમાં બંને ટીમના ત્રણ-ત્રણ  મળીને કુલ છ ખેલાડીએ અદ્ભુત અર્ધસદી ફટકારી હતી. અગાઉ કોલકાતાએ ધુંઆધાર શરૂઆત કર્યા બાદ ફીન એલનના 93, અંગકૃષ રઘુવંશી અને કેમરુન ગ્રીનની અર્ધસદીની મદદથી 20 ઓવરમાં માત્ર બે વિકેટનાં નુકસાને 247 રન કર્યા હતા. ગુજરાતે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. કોલકાતાએ ઈનિંગ્સની શરૂઆત કરતાં અજિંક્ય રહાણેના રૂપમાં પાંચમી ઓવરે પહેલી વિકેટ ગુમાવી હતી. રહાણે 14 રને આઉટ થયો હતો. જો કે, બીજી તરફ ફીન એલને આતશી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને રઘુવંશી સાથે મળીને 41 બોલમાં 95 રનની ભાગીદારી કરી હતી. એલન 35 બોલમાં ચાર ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 93 રન કરીને આઉટ થયો હતો. બાદમાં રઘુવંશી અને કેમરુન ગ્રીને બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે અણનમ બાવન બોલમાં 108 રનની ભાગીદારી થઈ હતી. રઘુવંશીએ 44 બોલમાં ચાર ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 82 રન કર્યા હતા. કેમરુન ગ્રીને 28 બોલમાં 3 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી બાવન રન કર્યા હતા. આ ઈનિંગ્સની મદદથી કોલકાતાનો સ્કોર 20 ઓવરમાં બે વિકેટે 247 રન થયો હતો.  

Panchang

dd