ભુજ, તા. 16 : સુપાર્શ્વ જૈન સેવા મંડળ
અને સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ, ભુજના સંયુક્ત આયોજન હેઠળ પ્રતિ વર્ષ મુજબ `શીતળ જલધારા' ઠંડા પાણીની પરબ અને છાશ
કેન્દ્ર વાણિયાવાડ ખાતે બે-આના દવાખાના પાસે શરૂ કરાયાં હતાં. છેલ્લાં 19 વર્ષથી ઉનાળામાં આ કેન્દ્રનું
આયોજન કરાય છે. ખરીદીના કેન્દ્ર એવા વાણિયાવાડની મુલાકાત લેનારાં ભુજ અને આસપાસના ગ્રામ્ય
વિસ્તારના લોકો માટે આ આયોજન ઉપયોગી નીવડતું હોઈ વિવિધ સમાજના લોકો આમાં સહયોગી બનતાં
રહે છે. આ આયોજન સંપૂર્ણપણે દાન આધારિત હોતાં સોશિયલ મીડિયા દ્વારા અનેક દાતાઓ સુધી
દાન માટે ટહેલ કરાય છે, જેને પ્રતિ વર્ષ સારો પ્રતિસાદ સાંપડે છે. અત્રે ઉલ્લેખનીય
છે કે, છેલ્લાં બે વર્ષથી ધાણેટી ગામના શાંતિબેન વિઠ્ઠલભાઈ જીવાભાઈ ડાંગર દરરોજની જરૂરિયાત
મુજબ ઓછામાં ઓછી 20 લિટર છાશ
જાતે બનાવીને મોકલે છે. અગાઉ ભુજનાં સંદીપભાઈ ઠક્કરે પણ છાશ આપી સહયોગ આપતા હતા. દાતા
પરિવારના સહયોગથી ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના પાવન દિવસે આ કેન્દ્ર શરૂ કરાયું હતું.
અલ્પેશભાઈ વોરા, હેમલભાઈ દોશી અને દીપેનભાઈ દોશી વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું પ્રમુખ
કૌશલ મહેતાની યાદીમાં જણાવાયું હતું.