• રવિવાર, 17 મે, 2026

શિક્ષણમંત્રીને બરતરફ કરવા રાહુલ ગાંધીની માંગ

નવી દિલ્હી, તા. 16 : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ-યુજી પરીક્ષા વિવાદ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, નીટના 22 લાખ વિદ્યાર્થી સાથે છેતરાપિંડી થઈ છે, પરંતુ વડાપ્રધાન મોદી આ મુદ્દે મૌન છે. તેમણે માંગ કરી કે, ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક તેમના પદ પરથી હટાવવામાં આવે, નહીં તો વડાપ્રધાને તેની જવાબદારી લેવી જોઈએ. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પર લખ્યું કે, 22 લાખ નીટ વિદ્યાર્થી સાથે છેતરાપિંડી થઈ છે, પરંતુ મોદીજી એક પણ શબ્દ નથી બોલી રહ્યા. ધર્મેન્દ્ર પ્રધાનજીને હમણા જ હટાવો, નહીં તો જવાબદારી  જાતે લો. ગઇકાલે પણ રાહુલ ગાંધીએ નીટ પરીક્ષા રદ થયા બાદ બે વિદ્યાર્થીની કથિત આત્મહત્યાનો મુદ્દો ઉઠાવતાં સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ સરકાર પરીક્ષા કૌભાંડીઓને રક્ષણ આપે છે, જ્યારે મહેનતુ વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રાહુલે ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીના 21 વર્ષીય ઋત્વિક મિશ્રા અને ગોવાના એક વિદ્યાર્થીની કથિત આત્મહત્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પરીક્ષાઓ રદ થયા બાદ વિદ્યાર્થીઓ માનસિક રીતે ભાંગી પડયા હતા. તેમણે લખ્યું કે, `આ બાળકો પરીક્ષાઓથી હાર્યા ન હતા, તેઓ ભ્રષ્ટ સિસ્ટમ દ્વારા માર્યા ગયા હતા. આ આત્મહત્યા નથી, પરંતુ સિસ્ટમ દ્વારા હત્યા છે.'  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, 2015થી 2026 દરમિયાન, દેશમાં 148 પરીક્ષા કૌભાંડો થયા હતા. 87 પરીક્ષા રદ કરવામાં આવી હતી અને લગભગ નવ કરોડ વિદ્યાર્થીનાં ભવિષ્યને અસર થઈ હતી. તેમણે કહ્યું કે, આ કૌભાંડોમાંથી માત્ર એક કેસમાં અત્યાર સુધી દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાહુલના જણાવ્યા મુજબ, સીબીઆઇએ 17 કેસની તપાસ કરી અને ઇડીએ 11 કેસની તપાસ કરી, પરંતુ કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. 

Panchang

dd