ગાંધીધામ, તા. 16 : જિલ્લામાં ઔદ્યૌગિક એકમોમાં
કામદારોની સુરક્ષા મુદ્દે કચ્છ જિલ્લા મજદૂર સંઘે સવાલો ઉઠાવ્યા હતા. છેલ્લાં એક અઠવાડિયામાં જુદા-જુદા બનાવોમાં શ્રમિકનાં મૃત્યુના બનાવોને ટાંકીને સંઘ દ્વારા ડોક સેફ્ટી, લેબર ઈન્સ્પેક્ટર,
લેબર કમિશનર, પીએફ વિભાગ, જિલ્લા કલેક્ટર સહિતના સમક્ષ કામદારોની સુરક્ષા મુદ્દે રજૂઆત
કરી હતી. આ ઉપરાંત સંઘના મહામંત્રી વંદના મિશ્રા દ્વારા તમામ એકમોમાં ઉચ્ચ સ્તરીય સલામતી
ચકાસણી કરાવવા તેમજ કામદારોને સન્માનપૂર્ણ જીવન જીવવાનો અધિકાર સાથે પી.એફ., સુરક્ષાકિટ,
બસ સેવા સહિતની પાયાની સુવિધા આપવા માંગ કરાઈ હતી. આ ઉપરાંત અકસ્માત મૃત્યુના બનાવમાં
મૃતદેહોને ગુપ્ત રીતે પરિવહન ન કરી સંબંધિત
વિભાગને જાણ કર્યા બાદ સંપૂર્ણ સન્માન અને યોગ્ય વળતર સાથે મોકલવા અનુરોધ કરાયો
હતો.