નવી દિલ્હી, તા. 16 : પાંચ દેશના વિદેશ પ્રવાસનાં
બીજાં ચરણમાં યુએઈથી નેધરલેંડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેગ શહેરમાં ભારતીય
સમુદાયને સંબોધતાં સૂચક ચેતવણી ઉચ્ચારી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દુનિયા
માટે આ દાયકો આફતનો દશકો છે. જો જલ્દી સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી તે ભારે પડવાનું
છે. વર્તમાન હાલત ઉપર દુનિયાને સાવચેત કરતાં મોદીએ કહ્યું હતું કે, પહેલા કોવિડ આવ્યો,
પછી યુદ્ધો શરૂ થઈ ગયાં અને હવે આજે ઊર્જાની કટોકટી છે. આ દાયકો દુનિયા માટે આફતનો
દાયકો બની રહ્યો છે. જો આ સ્થિતિ જલ્દી નહીં સુધરે તો અનેક દાયકાઓમાં મળેલી સિદ્ધિઓ
ઉપર પાણી ફરી વળશે. દુનિયાની બહુ મોટી વસ્તી ગરીબીના કાદવમાં ખૂંપી જશે. આ પહેલાં મોદીએ 2017માં નેધરલેંડની યાત્રા કરી હતી અને છ વર્ષ બાદ ફરીથી નેધરલેંડ
પહોંચેલા વડાપ્રધાનનું ભારતીય સમુદાય દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ
કહ્યું હતું કે, થોડા સમય માટે ભૂલી જાઓ કે તમે નેધરલેંડમાં છો. આજનું ભારત મોટાં સપનાં
જુએ છે. ભારતે ચંદ્ર ઉપર જ્યાં કોઈ પહોંચ્યું નથી ત્યાં પણ પહોંચીને ઈતિહાસ રચી દીધો
છે. ભારતની અભિલાષાઓ તેની સીમાઓ સુધી મર્યાદિત નથી, જ્યારે પણ નેધરલેંડનાં નેતૃત્વ
સાથે વાતચીત થાય છે, ત્યારે તેઓ હંમેશાં ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે. ભારતીયોને
નેધરલેંડનાં સમાજ અને અર્થતંત્રમાં યોગદાન ઉપર ગર્વ છે. જો કે, સમય સાથે કેટલીક ચીજો
બદલાઈ ગઈ છે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ આજે પણ લોકોનાં હૃદયમાં વસેલી છે. ભારતીય સમુદાયને
સંબોધતાં મોદીએ ભારતનાં ચાર મોટાં લક્ષ્યની વાત કરી હતી. તેમણે આગળ કહ્યું હતું કે,
12 વર્ષ પહેલાં 2014માં આજના દિવસે એટલે કે,
16મી મેના કંઈક ખાસ થયું હતું. આજના દિવસે જ લોકસભા ચૂંટણીનાં
પરિણામો આવેલાં. ભારતમાં લાંબા સમય બાદ પૂર્ણ બહુમતવાળી સ્થિર સરકારની રચના પાક્કી
થઈ હતી. એક એ દિવસ હતો અને એક આજનો દિવસ છે, ભારતવાસીઓનો વિશ્વાસ મને અટકવા કે થાકવા
દેતો નથી. મોદીએ કહ્યું
હતું કે, આજે ભારતમાં દર મહિને 20 અબજથી વધુ
યુપીઆઈ ટ્રાંઝેક્શન થાય છે. એટલે કે, દુનિયામાં થતા કુલ ડિજિટલ વ્યવહારોમાં અડધાથી
વધુ ભારતમાં થાય છે. 12 વર્ષ પહેલાં
દેશમાં પ00 કરતાંય ઓછા સ્ટાર્ટઅપ હતા
અને હવે તે બે લાખથી વધુ છે.