ભુજ, તા. 16 : સોશિયલ મીડિયા ફેસબુકમાં
ખોટી બનાવટી આઈ.ડી. બનાવી તેના ઉપર બજારભાવ કરતાં સસ્તું સોનું અને એક લાખ કા પાંચ
લાખ નકલી નોટો આપવાના જાહેરાતવાળા ફોટો-વીડિયો મૂકી છેતરવા (શિકાર)ની જાળ બિછાવનાર
શિકારી એવા આરોપી સલીમ અલીમામદ પડયાર (રહે. ગાંધીનગરી, ભુજ)ને ઝડપી પાડયો હતો. આજે
બપોરે એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી કે, સલીમ પડયાર લેકવ્યૂ હોટેલ ત્રણ
રસ્તા પાસે પોતાના કબજાની એક્સેસ (ટુ-વ્હીલર) નં. જીજે-12-એચએચ-8591 સાથે હાજર છે અને છેતરપિંડીના
પ્રયાસમાં છે. બાતમીના આધારે એલસીબીએ સમીરને એક્સેસ સાથે ઝડપી તેનો ફોન જોતાં ફેસબુકમાં
ભરત જૈન નામની ખોટી-બનાવટી આઈ.ડી. બનાવી તેમાં બજારભાવ કરતાં સસ્તું સોનું અને એક લાખ
કા પાંચ લાખ આપવાની લાલચવાળા ફોટો-વીડિયો અપલોડ કરેલા હતા. આમ લોકોને છેતરવાનો પ્રયાસ
કરી રહેલા સમીરને મોબાઈલ કિં. રૂા. 5000 અને એક્સેસ કિં. રૂા. 35,000ના મુદ્દામાલ સાથે પકડી એ-ડિવિઝન પોલીસ મથકે ગુના દાખલ કરાવી
કાયદેસરની કાર્યવાહી આદરી છે.