• શનિવાર, 16 મે, 2026

ઓમાની કચ્છીઓ ઝંખે છે ગુજરાત સાથે સીધી વિમાનસેવા

ઓમાન સ્થિત કચ્છી-ગુજરાતીઓનું પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં રૂબરૂ મળ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ-મસ્કત વચ્ચે સીધી વિમાનસેવા સત્વરે શરૂ થાય તેવા પ્રયત્નો કરવાની આપેલી ખાતરી, ભૂતકાળની આ પ્રકારની અનેક હૈયાધારણ, વચનોના પોટલાં સાથે અભેરાઇએ ન ચડી જાય એવી આશા રાખીએ. ઓમાનમાં મિની ગુજરાત વસે છે. મસ્કત ગુજરાતી સમાજ, ઇન્ડિયન સોશિયલ ક્લબ, ગ્લોબલ કચ્છ ફેડરેશન સહિતની સંસ્થાઓ સક્રિય છે. મસ્કતમાં 1500થી વધારે ગુજરાતી પરિવાર ધંધા -રોજગાર અર્થે વસવાટ કરી રહ્યા છે, તેમાં 500થી વધુ કચ્છી કુટુંબો છે. તેમને મસ્કતથી કચ્છ-ગુજરાત આવવા-જવા માટે સીધું વિમાન ન હોવાથી મુંબઇ કે દિલ્હી, ચેન્નાઇ, હૈદરાબાદ થઇને પ્રવાસ કરવો પડે છે. સીધી ફલાઇટમાં મસ્કત-અમદાવાદ વચ્ચે માત્ર બે કલાક લાગે તેને બદલે વધુ કલાકો અને મોંઘાં ટિકિટ ભાડાં ખર્ચવા પડે છે. એથીય મોટો મુદ્દો છે હાડમારીનો. આકસ્મિક પ્રસંગોએ સમયસર પહોંચી શકાતું નથી. વળી વડીલો, મહિલાઓ, નાનાં બાળકો સાથે મુસાફરી કરતા લોકો માટે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. ગુજરાત સાથે સીધી વિમાનસેવા માટે લગાતાર રજૂઆત થતી આવી છે. મસ્કત ગુજરાતી સમાજના ચંદ્રકાન્ત ચોથાણી અને રાજેન્દ્રભાઇ વેદનું કહેવું છે કે, પહેલાં ઇન્ડિગોની ડાયરેક્ટ ફલાઇટ આશીર્વાદરૂપ હતી. આવવું-જવું ખૂબ સરળ રહેતું, અઠવાડિયામાં સાત ફ્લાઇટ ઉપલબ્ધ હતી. છેલ્લા પાંચ વર્ષથી ખાસ કરીને કોરોનાકાળમાં એ બંધ થયા પછી નવી સીધી સેવા પુન: સ્થાપિત થતી નથી. મુખ્યમંત્રીથી લઇને કેન્દ્રીય મંત્રીઓ, અરે ઓમાન આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુદ્ધાંનું ધ્યાન દોરવામાં આવ્યા છતાં ન્યાય ન મળવો એ અફસોસની વાત છે. અઠવાડિયામાં બે કે ત્રણ ઉડાનથી શરૂઆત થાય તો પણ ઘણી ઉપકારક રહેશે. સીધી વિમાન સેવાથી ગુજરાતના ટૂરિઝમ, શિક્ષણ, વેપાર ક્ષેત્રને પણ મોટો ફાયદો થશે. આમ તો ઓમાન-ગુજરાત વચ્ચે ગાઢ સંબંધો છે. માંડવીની ખીમજી રામદાસ કંપની સૈકા જૂનો ઇતિહાસ ધરાવે છે. સરળ પરિવહનથી બંને પ્રદેશ વચ્ચે બિઝનેસ મિટિંગ, કોન્ફરન્સીસ, સેમિનાર જેવી પ્રવૃત્તિ વેગ પકડી શકે અને તેમાંથી ગુજરાત-કચ્છમાં મૂડીરોકાણની તકો ઊભી થશે. મસ્કત સ્થિત સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સાથે સીધી વિમાન સેવાથી જોડાવા ઓમાન એરલાઇન્સ અને સોલન એરલાઇન્સની તૈયારી છે, પરંતુ ગુજરાત સાથેના પ્રોટોકોલ પર સહી થઇ ન હોવાથી એ વિમાની કંપનીઓને મંજૂરી મળતી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ બીજીવાર રજૂઆત થઇ છે ત્યારે રાજ્ય સરકાર તરફથી જરૂરી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરાય તો પ્રશ્ન ઉકેલાઇ શકે એવું કચ્છી અગ્રણીઓ ઇચ્છી રહ્યા છે. ઇરાન સાથે અમેરિકા-ઇઝરાયલના લશ્કરી સંઘર્ષના પરિપ્રેક્ષ્યમાં સિનારિયો બદલાઇ ગયો છે. અખાતી દેશો તનાવ અનુભવી રહ્યા છે. તંગદિલીનાં વાદળો ઓસરે અને પરિસ્થિતિ પૂર્વવત્ થાય ત્યારે મસ્કત-અમદાવાદને સીધી વિમાનસેવાથી સાંકળી લેવામાં આવે એવી ઓમાની કચ્છીઓ અપેક્ષા રાખી રહ્યા છે. વિમાની સેવાને સંબંધ છે ત્યાં સુધી કચ્છ કમનસીબ રહ્યું છે. મુંબઇમાં ત્રીસેક લાખ કચ્છીઓ હોવા છતાં મુંબઇ-ભુજ વચ્ચે પૂરતી એર ફ્રિકવન્સી નથી. કંડલા એરપોર્ટ બંધ થઇ ગયું છે અને મુંબઇ સાથે બે વિમાનસેવા સંકળાયેલી છે જેના ટિકિટના દર આસમાનને આંબતા હોય છે. એમ તો પ્રવાસનને વેગ મળે એ હેતુથી રાજ્ય સરકારે નવાં ગ્રીન એરપોર્ટ વિકસાવવા પહેલ કરી છે, તેમાં ધોરડો-ધોળાવીરાનો સમાવેશ છે. એ બધી જાહેરાતો નક્કર અમલની રાહ જુએ છે. એમ તો અપાર ઔદ્યોગિક વિકાસ પછી કચ્છને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા અપેક્ષિત છે. ગ્લોબલ કચ્છ ફેડરેશને આ અંગે દાખલા-દલીલો સાથે વડાપ્રધાનને પણ પત્ર પાઠવ્યો છે. ઓમાની પ્રતિનિધિ મંડળે ભુજ એરપોર્ટ પર આવન-જાવન વધી છે ત્યારે વાઇફાઇ સહિતની સુવિધા કરવાનોય અનુરોધ કર્યો છે. 

Panchang

dd