• રવિવાર, 17 મે, 2026

વરણું રણમાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં : 1.23 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીધામ, તા. 16 : રાપર તાલુકાના વરણુંનાં રણમાં પોલીસે એક કારનો ફિલ્મી ઢબે પીછો કરી આ વાહનમાંથી રૂા. 1,23,102ના અંગ્રેજી શરાબ સાથે શખ્સને પકડી પાડયો હતો. આ પ્રકરણમાં દારૂ મોકલનારા અને મગાવનારાનાં નામ બહાર આવ્યાં હતાં. આડેસર પોલીસ મથકની હદમાં આવતા વરણુંનાં રણમાં દારૂની હેરાફેરી ચાલુ હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ મેડક બેટ નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાન સામેથી એક ગાડી આવતાં લાકડીના ઈશારે તેને રોકવાની કોશિશ કરતાં કારચાલકે પોતાનું વાહન આગળ હંકારી દીધું હતું. પોલીસે વાહનોથી તેનો પીછો કર્યો હતો. રણમાં દોડતી આ ગાડીનાં પૈડાં ફૂટવાં લાગ્યાં હતાં, છતાં આરોપીએ ગાડી આગળ હંકાર્યે રાખી હતી, અંતે તમામ પૈડાં ફૂટી જતાં ગાડી ઊભી રહી ગઈ હતી. દરમ્યાન પોલીસે દોડીને કારમાંથી પાટણના અબ્દુલ કાસમ મંધરા નામના શખ્સને પકડી પાડયો હતો. આ નંબર પ્લેટ વગરની ગાડીમાંથી કિંગફિશર બિયરના 75 ટીન, 8 પી.એમ.ની 750 મિ.લિ.ની 71 બોટલ, રોયલ ચેલેન્જની 22 બોલ, મેજીક મૂમેન્ટના 180 મિ.લિ.ના 95 ક્વાર્ટરિયા, મિડનાઈટ જામુન વોડકાના 180 મિ.લિ.ના 362 કવાર્ટરિયા એમ કુલ રૂા. 1,23,102નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલો આ અબ્દુલ રાજસ્થાન સાંચોરના મોહનકામર પાસેથી દારૂ ભરી લાવી અને હળવદના જયદીપ ઠાકોરને આપવા જઈ રહ્યો હતો. દરમ્યાન આજે વહેલી પરોઢે તેને પોલીસે દબોચી લીધો હતો. 

Panchang

dd