ભુજ, તા. 16 : તાલુકાના અજરખપુરમાં ધોળા
દિવસે કબાટનું તાળું તોડી રોકડ રૂા. 2,70,000ની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી અને ગણતરીના કલાકોમાં જ પદ્ધર
પોલીસે માધાપરના બે શખ્સને ચોરાઉ રોકડ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. ગઇકાલ
તા. 15-5ના બપોરે બેથી સાંજે ચાર
વાગ્યા સુધી ધોળા દિવસે થયેલી આ ચોરી અંગે પદ્ધર પોલીસ મથકે, રસુલભાઇ આરાબભાઇ ખત્રીએ
નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 11-5ના તેમની
દીકરી નમીરાનાં લગ્ન હતાં. લગ્ન ખર્ચ માટે ઘરે રોકડા ચાર લાખ હતા અને બેન્કમાંથી ટુકડે-ટુકડે
ત્રણ લાખ ઉપાડયા હતા. 4.30 લાખ લગ્નખર્ચ
માટે અલગ-અલગ જગ્યાએ વાપર્યા હતા. બાકીના રૂા. 2.70 લાખ જૂના ઘરના કબાટની અંદર રાખ્યા હતા. તા.15-5ના બપોરે પત્ની સામે નવાં
મકાનમાં કપડાં રાખવા અને સૂવા ગયા હતા. ફરિયાદી પણ નવાં મકાને સૂવા ગયા હતા. ઘરમાં
પુત્ર અને પુત્રવધૂ બીજા રૂમનો દરવાજો બંધ કરી સૂતા હતા અને બાજુના રૂમનો દરવાજો ખૂલો
હતો. આ બાજુના રૂમનો દરવાજો ખૂલો હતો. આ બાજુના રૂમમાંના પતરાંના કબાટનું લોક (તાળું)
તોડી રાખેલા રોકડા રૂા. 2,70,000ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી હતી.
દીકરીના લગ્ન પ્રસંગ માટે સાચવેલી જીવનભરની કમાણી ચોરી જવાતાં પદ્ધર પી.આઇ. એ. ડી.
ખાંટે ચોરીનો ગુનો શોધવા અલગ-અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ ચકાસી
બાતમીના આધારે આ કામના આરોપી દિનેશ અરજણભાઇ માતંગ અને વિજય માલશીભાઇ આયડી (રહે. બંને
માધાપર)ને ચોરાઉ રોકડ રૂા. 2,70,000 અને એક્સેસ ટુ-વ્હીલર કિં. રૂા. 25,000 તથા એક મોબાઇલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ કામગીરીમાં
પી.આઇ. શ્રી ખાંટનાં માર્ગદર્શન હેઠળ કૃષ્ણદેવસિંહ ગોહિલ, રામસંગજી સોઢા, વીરેન્દ્રસિંહ
પરમાર, હે.કો. પરમવીરસિંહ ઝાલા, વિનોદભાઈ વસાવા, ભાવેશભાઇ ગેલોત, કોન્સ. શિવભદ્રસિંહ
રાણા જોડાયા હતા.