• રવિવાર, 17 મે, 2026

સ્વચ્છતા-જાળવણીના અભાવે ભુજનાં બહુમાળી ભવનની હાલત દયનીય

હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 16 : શહેરની 800થી વધુ અલગ અલગ વિભાગની કચેરીઓથી ધમધમતાં બહુમાળી ભવન ખાતે અરજદારોની કામકાજ હેતુ સતત અવર-જવર રહે છે, ત્યારે પાર્કિંગની અવ્યવસ્થા, સ્વચ્છતાનો અભાવ, યોગ્ય દિશાસૂચક બોર્ડની અધૂરાશોને પગલે અનેક સમસ્યાઓ સર્જાય છે. અઢી દાયકા પહેલાં નિર્માણ પામેલાં આ બહુમાળી ભવન માર્ગ અને મકાન વિભાગ (આર. એન્ડ બી.) હસ્તગત હોવાથી લાંબા સમયથી બાકી રહેલી અધૂરી સુવિધાઓ અને સમારકામ સહિતની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું જણાવાયું હતું. ફાયર સેફ્ટી સિસ્ટમની જાળવણી, શૌચાલયોનાં સમારકામ, કચરાનો યોગ્ય નિકાલ, પાર્કિંગ વ્યવસ્થા, દિશાસૂચક બોર્ડના અપડેશન અને તૂટી રહેલાં માળખાંના રિનોવેશન જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની માંગ ઊઠી રહી છે. બહુમાળી ભવન સાથે શહેરની વહીવટી વ્યવસ્થાની છબી જોડાયેલી છે તેવી માત્ર કાગળ પર નહીં, પરંતુ અસરકારક અમલ થાય અને ભવનને સુવ્યવસ્થિત બનાવવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત થઇ રહી છે. વિવિધ સરકારી કચેરીઓનું કામકાજ એક જ સ્થળે થઇ શકે અને લોકોનાં સરકારી કામો વધુ સરળતાથી થઇ શકે તે હેતુથી બહુમાળી ભવન બનાવવામાં આવ્યું હતું. આ સંકુલમાં સુવિધાઓનો અભાવ અને જાળવણીમાં કચાશને કારણે કચેરી નાની-મોટી અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. નાગરિકો દ્વારા ચર્ચાતી સમસ્યાઓ મોટાભાગે સાચી હોવાની કચ્છમિત્ર દ્વારા મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું હતું. - ભંગાર હાલતમાં પડેલાં વાહનોનો નિકાલ જરૂરી : બહુમાળી ભવનનાં પ્રાંગણમાં વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થાના અભાવે કામસર આવતા અરજદારોને યોગ્ય જગ્યા ન મળતાં બહાર વાહન પાર્ક કરવાની ફરજ પડે છે. એકતરફ કચેરીના પાછળના ભાગે લાંબા સમયથી ભંગાર હાલતમાં ફેરવાયેલાં વાહનો ખડકાયેલાં છે, જેની કોઇ તકેદારી લેવામાં આવી નથી રહી. લાંબા સમયથી આ સમસ્યા હેમખેમ ખડી છે તેના ઉકેલ માટે કોઇ તસ્દી લેવાતી નથી. - સ્વચ્છતા અને જાળવણીનો પ્રશ્ન : ભવનની અંદર કચેરીઓમાં સ્વચ્છતા જાળવણી યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. ગરમીમાં કામકાજે આવનારાઓને પાણી માટે પરબની વ્યવસ્થા કરાઇ છે તે નોંધપાત્ર છે, પરંતુ ખાસ કરીને પ્રાંગણમાં તેમજ પાછળના ભાગમાં ઠેર ઠેર કચરાના ઢગલા, ગંદકી, પ્રવેશદ્વાર પાસે ખુલ્લા પડેલાં વરસાદી નાળાંમાંથી વહેતાં ગંદા પાણી ગંદકી સર્જે છે. આખા સંકુલમાં કચરા અને ગંદકીનું સામ્રાજ્ય બીમારી નોતરી રહ્યું છે તેમજ શૌચાલયોની સ્થિતિ પણ ખરાબ હોવાનું જણાવાય છે. બાથરૂમમાં દરવાજા લગાવવાની કામગીરી સહિતનાં સમારકામ માટે તંત્ર સમયસર ગંભીરતા દાખવે તેવી માંગ ઊઠી છે. - દિશાસૂચક બોર્ડ અપડેશન જરૂરી : ભવનમાં આવેલી અનેક કચેરીઓ પૈકી કેટલીક કચેરીઓ અન્યત્ર સ્થળાંતરિત થઇ છે અથવા નવી કચેરીઓ શરૂ થઇ છે છતાં પ્રવેશદ્વાર પરનાં દિશાસૂચક બોર્ડ અપડેટ ન થતાં અરજદારો ભારે મુશ્કેલી અનુભવે છે. કચેરીની નવી ગોઠવણ મુજબ આધુનિક અને સ્પષ્ટ દિશાસૂચક બોર્ડ  અપડેટ ન થતાં અરજદારો પરેશાન બની રહ્યા છે. કચેરીની નવી ગોઠવણ મુજબ આધુનિક અને સ્પષ્ટ દિશાસૂચક બોર્ડ  લગાવવામાં આવે તેમજ દરેક માળે પણ જે-તે માળ પર આવેલી કચેરીઓનાં દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવે, જેથી લોકોનો સમય અને હાલાકી બંને બચી શકે તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે. 

Panchang

dd