ગાંધીધામ / ભુજ, તા. 16 : અંજાર - ગળપાદર ધોરીમાર્ગ
ઉપર મેઘપર બોરીચી સીમ નવરત્ન પાર્ક સોસાયટીની સામે અજાણ્યાં વાહને હડફેટમાં લેતાં સંજય
જીવા ગોરાવા (દેવીપૂજક) નામના આધેડનું મોત થયું હતું, જ્યારે મુંદરાના મોટા કાંડાગરામાં
મૂળ બિહારના 23 વર્ષીય યુવાન રવીકેશ બલેસ્ટર
મુખિયાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ ભુજ તાલુકાના ધાણેટીના ચાઇનાક્લેના
પ્લાન્ટમાં 10 મહિનાની માસૂમ બાળકી તેજસ્વી
નરેશ ભાંભરિયા મશીનમાં પડી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. વરસામેડીમાં રહેનાર
સંજય ગોરાવા એસ.એસ.વી. પ્રા. સિક્યુરિટીમાં નવરત્ન પાર્ક સોસાયટીમાં ચોકીદાર તરીકે
કામ કરતા હતા. ગત તા. 14/5ના તે નોકરીએ
હતા, ત્યારે ટિફિન ન આવતાં પોતાના દીકરાને ફોન કર્યો હતો. ટિફિન આવી જશે તેવું તેમના
દીકરાએ કહ્યું હતું. બાદમાં ટિફિન આવતાં સોસાયટી સામે ધોરીમાર્ગ ઓળંગવા આ આધેડ જઇ રહ્યા
હતા, ત્યારે અજાણ્યા વાહને તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને
સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. સંદીપ સંજય ગોરાવાએ અજાણ્યા
વાહનચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. મૂળ બિહારના વેસ્ટ ચંપારણ બગાહાનો 23 વર્ષીય યુવક રવીકેશ મુંદરા તાલુકાના મોટા કાંડાગરાના જે.આર.ડી.
ફાર્મના રૂમ નં. 103માં રહેતો
હતો. તા. 15/5ના સવારથી સાંજ દરમ્યાન કોઇ
અગમ્ય કારણોસર તેના રૂમમાં ગમછા વડે પંખામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની વિગતો મુંદરા
પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ
હજુ ત્રણ મહિના પૂર્વે જ ભુજ તાલુકાના ધાણેટીના શિલ્પ ચાઇનાક્લે પ્લાન્ટમાં કામ પર
લાગેલા નરેશ વનસિંગ ભાંભરિયાની 10 મહિનાની
દીકરી તેજસ્વી તા. 14/5ના ચાઇનાક્લે
મશીનમાં પડી જતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના
તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસચોકીમાં પિતા નરેશે લખાવી હતી. બનાવની
જાણ પદ્ધર પોલીસને કરાઇ છે.