• રવિવાર, 17 મે, 2026

સામખિયાળી-આંબલિયારા વચ્ચે કારના કાચ તોડી લૂંટ ચલાવાઈ

ગાંધીધામ, તા. 16 : ભચાઉના સામખિયાળી-આંબલિયારા રોડ ઉપર કારમાં બાઈક ભટકાવી બાદમાં કારના કાચ તોડી ઝપાઝપી કરી રૂા. 2700ની લૂંટ કરનારા શખ્સ સામે ગુનો દર્જ કરાયો હતો. મુંદરાના ગુંદાલામાં રહેતા ફરિયાદી રામજી લખુ ઢીલા (આહીર) નામના આધેડ ગઈકાલે પોતાના વેવાઈ દેવકરણ બાળાના ઘરે લગ્નપ્રસંગે સામખિયાળી આવ્યા હતા. બપોરે વિધિ બાદ ફરિયાદી તથા તેમના ભાણેજ પ્રેમજી આંબલિયારા ભાણેજના ઘરે જવા નીકળ્યા હતા. દરમ્યાન રસ્તામાં કેનાલ પાસે બંને કાર નંબર જીજે-12-એફસી-5679 ઊભી રાખી ફ્રેશ થવા બહાર નીકળ્યા હતા, ત્યારે આંબલિયારાના આરોપી એવા અશ્વિનસિંહ જાડેજાએ કારમાં બાઈક અથડાવ્યું હતું, જે અંગે કહેવા જતાં આ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પથ્થર ઉપાડી કારના કાચ તોડી નાખ્યા હતા અને ફરિયાદીના ખિસ્સામાંથી રોકડ રૂા. 2700ની લૂંટ કરી બાઈક લઈને નાસી ગયો હતો. ફરિયાદીએ તેની સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

Panchang

dd