ભુજ, તા. 14 : શહેર સમીપેનાં માધાપરમાં માનવતાને નેવે મૂકે તેવી દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતા અને સગી માતાએ
મળીને બે વર્ષની માસૂમ બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે બન્ને આરોપીની ધરપકડ
થઇ છે. આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે, પાડોશી મહિલાએ નોંધાવેલી
ફરિયાદ મુજબ આરોપી સાવકા પિતા અને સગી માતાએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી બે વર્ષની બાળકી
પર અત્યાચાર ગુજારાવામાં તમામ હદ વટાવી હતી. સાવકા પિતાએ બાળકીને પકડી તેનું માથું
દીવાલ સાથે જોરથી પછાડી દેતાં કપાળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી. આટલું
જ પૂરતું ન હોય તેમ આરોપીએ બાળકીને બીડીના ડામ દીધા હતા અને બચકાં પણ ભર્યાં હતાં.
આ ક્રૂર અત્યાચારમાં સગી માતાએ પણ પુત્રીને બચાવવાના બદલે તેને માર મારી પતિનો સાથ
આપ્યો હતો.આ દર્દનાક બનાવ અંગે માધાપર પોલીસે ગંભીરતા દાખવી બન્ને આરોપી સામે હત્યાનો
પ્રયાસ, પોકસો, જાતિય ગુનાઓ સામે બાળકોનું
રક્ષણ, બાળકો પ્ર્રત્યે ક્રૂરતા જેવી કલમો તળે ગુનો દાખલ કરી
તપાસ પી.આઇ. એ.કે. જાડેજાએ હાથ ધરી હતી. તપાસકર્તાનો સંપર્ક સાધતાં આ બનાવમાં આરોપી
સાવકા પિતાની ગઇકાલે અને માતાની આજે અટક કરી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.