ભુજ, તા. 14 : મુંદરાની હોટેલમાંથી માદક પદાર્થ હેરોઇન 18 ગ્રામ કિં. રૂા. 3.60 લાખના મુદ્દામાલ સાથે બે પંજાબના અને એક હરિયાણાના
શખ્સને એસઓજીએ ઝડપી પાડયા છે. કચ્છના યુવાનો નશાની ગર્તામાં ધકેલાયા છે. દારૂ ઉપરાંત
માદક પદાર્થ ગાંજો અને હેરોઇન અને એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડયાના ચિત્રો સામે આવી ચૂકયાં
છે. અગાઉ પણ પરપ્રાંતીય ખાસ કરીને પંજાબના શખ્સો આવા માદક પદાર્થ સાથે કચ્છમાંથી ઝડપાયેલાના
દાખલાઓ વચ્ચે વધુ એક બનાવ સામે આવ્યો છે. માદક પદાર્થના નાશાની બદી નેસ્તનાબૂદ કરવા
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાનાં પગલે એસ.ઓ.જી.ના પી.આઇ. એ.ડી. પરમાર, એમ.આર. સકોરિયાએ અલગ અલગ ટીમ
બનાવી પ્રયત્નશીલ હતા. એસ.ઓ.જી.ની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે
એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા અને હે.કો. ગોપાલભાઇ ગઢવીને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી. આ બાતમીનાં પગલે મુંદરા
પોર્ટ રોડ પર આવેલા ભીન્ડે બિઝનેસ હબ કોમ્પ્લેક્ષમાં આવેલી હોટેલ ટી.જી.આર.ના રૂમ નં.
25માંથી સંદીપસિંગ ધરમસિંગ અને સતનામસિંગ જસવીરસિંગ
(રહે. બન્ને ભરાણા,
જિ. ફિરોજપુર, પંજાબ) અને મનજિતસિંગ ઇશ્વરસિંગ
(રહે. ગદલી ડિંગ, તાલુકો- જિલ્લો સિરમા, હરિયાણા)ને માદક પદાર્થ હેરાઇન વજન 18 ગ્રામ કિં. રૂા. 3,60,000ના મુદ્દામાલ સાથે ઝડપી મુંદરા પોલીસ મથકે એન.ડી.પી.એસ.
એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક પૂછતાછમાં આરોપી સંદીપસિંગ
અને સતનામસિંગે ફિરોજપુરમાં રહેતા સોનુ નામની વ્યક્તિ પાસેથી હરોઇન જથ્થો મેળવ્યો હતો.
આરોપી મનજિતસિંગે સારા ભાવે હેરોઇન વેચાવી આપવા જણાવતાં બન્ને માદક પદાર્થ સાથે મુંદરા
આવ્યા હતા અને હોટેલમાં બુકિંગ પણ મનજિતસિંગે કરાવી આપ્યું હતું. આરોપીઓ પાસેથી હેરોઇન
18 ગ્રામ કિં. રૂા. 3,60,000, રોકડા રૂા. 5,660, ત્રણ મોબાઇલ કિં. રૂા. 16,000, વજન કાંટો, બે ઇન્જેકશન સહિત કુલ્લે રૂા. 3,81,860નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ કામગીરીમાં
એસ.ઓ.જી.ના પી.આઇ. શ્રી પરમાર, શ્રી સકોરિયા, એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા,
સિદ્ધરાજસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા,
રજાકભાઇ સોતા, હે.કો. ગોપાલભાઇ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, વનરાજસિંહ સોઢા, કોન્સ. દિનેશભાઇ ચૌધરી, એલ.આર.પી. રવિન્દ્રકુમાર રાઠોડ, ડ્રાઇવર એલ.આર. મિતેશભાઇ
રાજગોર જોડાયા હતા.