• શુક્રવાર, 15 મે, 2026

મુંદરા બંદરે ફરી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો

મુંદરા, તા. 14 : મુંદરા પોર્ટ પરની એક જેટીમાં આજે સાંજથી શરૂ થયેલી કાર્યવાહીમાં એક આયાતી કન્ટેનરમાં ગુપ્ત બાતમીને આધારે અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો વિભાગે કરેલી ચોકસાઈભરેલી કામગીરીમાં 140 કિલ્લો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. જો કે, આ ડ્રગ્સ એ સામાન્ય ડ્રગ્સ છે કે એમડી ડ્રગ્સ છે તેની તપાસ આ લખાય છે ત્યારે ચાલી રહી છે.  સત્તાવાર પૂર્ણ વિગતો રાત્રે હજુ સુધી બહાર પડાઈ નથી, પણ વિશ્વસનીય જાણકારો કહે છે કે, અમદાવાદ નાર્કોટિક્સની ટીમ અહીં આ કન્ટેનર આવ્યું એ પહેલાંથી જ ચૂપચાપ એક સાદી રિક્ષામાં પહોંચી આવી હતી અને મુંદરા કસ્ટમની એસ.આઈ.આઈ.બી. શાખાની મદદથી ચોક્કસ કન્ટેનરને પકડીને ટ્રાન્સવર્લ્ડ સીએફએસ વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં તપાસ આદરતાં 140 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સત્તાવાર રીતે આયાતી માલ તરીકે વૂલ આયાત કરવાનું દર્શાવાયું હતું. પણ ડ્રગ્સ નીકળતાં એજન્સી ચોંકી ઊઠી હતી. વધુ માહિતી મુજબ આશ્ચર્યની વાત એ છે કે આ જથ્થો મગાવનાર આયાતકાર મુંદરાની પાર્ટી છે અને નાર્કોટિક્સ અમદાવાદે તેને પણ ઝડપીને એની હાજરીમાં જ કન્ટેનર ખોલ્યું હોવાનો સત્તાવાર સૂત્રો દાવો કરે છે. સૂત્રોએ ઉમેર્યું કે, સામાન્ય ડ્રગ્સની કિંમત એક કિલો દીઠ દસ લાખ રૂપિયા ગણતાં 14 કરોડ જેવી થવા જાય અને જો એમડી ડ્રગ્સ નીકળે તો કિલો દીઠ અંદાજે બેથી ત્રણ કરોડ રૂપિયાની કિંમત ગણતાં આશરે 300થી 400 કરોડ રૂપિયાનો આ જથ્થો ભારતમાં ઘુસ્યાનું કાવતરું ગણી શકાય. જે ગંભીર બાબત ગણાવવામાં આવી રહી છે. બીજી સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વૂલની આયાતના નામે દર મહિને 400 જેટલા કન્ટેનરો આવે છે, તો એ કન્ટેનરમાં આવો જ જથ્થો હતો કે કેમ એ પ્રશ્ન પણ ઊપજે  છે. વળી, વૂલની આયાત કરવામાં પણ એનિમલ ક્વોરેન્ટાઈન એન્ડ સર્ટિફિકેશન સર્વિસીસની પરવાનગીઓ જરૂરી છે. અમુક પ્રાણીઓના વાળ લાવવા પર પણ પ્રતિબંધ છે. અત્યારે નાર્કોટિક્સ એજન્સીના અધિકારીઓ કોઈ મોટાં નેટવર્કનો પર્દાફાશ કરવા સજ્જ બનીને કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળે છે. 

Panchang

dd