ગાંધીધામ, તા. 28 : શહેરનાં સુભાષનગર વિસ્તારમાં
રહેતા વેપારીને મુંબઇની પાર્ટીને રૂા. 1,74,50,000 આપવાના હોવાથી આ વેપારીએ પોતાના બે કર્મચારીને સહી કરેલા ચેક
આપ્યા હતા, જે બંને કર્મચારી એવા ભાઇઓએ
એક મુંબઇની કંપનીમાં જમા કરવવાના બદલે પોતાના ખાતાંમાં નાખી વેપારી સાથે રૂા. 1,74,50,000ની છેતરપિંડી કરી હતી. શહેરના
સુભાષનગર વોર્ડ-8-એ.માં રહેનાર
ફરિયાદી દીપક કિશનલાલ મનુજા (પંજાબી) નામના વેપારી ગ્લોબલ ટ્રેડ કન્સ્લટન્સી નામની
પેઢી થકી આયાત-નિકાસનું કામ કરે છે. આ વેપારીએ ફિલ્ડ વર્ક અને બેંકિંગના કામ માટે અભિષેક
બ્રિજેન્દ્ર શર્મા તથા રિષભ બ્રિજેન્દ્ર શર્માને કામે રાખ્યો હતો. છેલ્લા બે વર્ષથી
કામ કરતા આ કર્મીઓ ગત તા. 25-3ના ફરિયાદીના
ઘરે આવ્યા હતા, ત્યારે ફરિયાદીને મુંબઇની
હેક્સાનોક્સ ઇન્ટરનેશનલ કંપનીમાંથી સ્ટીલના પાઇપ ખરીદવાના હોવાથી રૂા. 1,74,50,000 ચૂકવણુ કરવાનું હતું, જેથી ફરિયાદીએ આ બંને કર્મીને કોરા ચેકમાં સહી
કરી તે રકમ મુંબઇની કંપનીનાં ખાતામાં નાખી દેવા જણાવ્યું હતું. બાદમાં ફરિયાદી કામ
અર્થે અમદાવાદ નીકળી ગયા હતા. તા. 26-3ના ફરિયાદીએ મુંબઇની કંપનીના ખાતામાં ચેક જમા કરાવવાનું કહેતાં
તેમના ખાતામાંથી પૈસા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો,
જેથી દીપક પંજાબીએ મુંબઇની કંપનીમાં જાણ કરતાં તેમના ખાતામાં પૈસા ન
આવ્યા હોવાનું બહાર આવ્યું હતું, જેથી અભિષેક અને રિષભને પૂછતાં
ભૂલથી પોતાની રિષભ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં જમા થઇ ગયાનું કહ્યું હતું અને થોડીવારમાં
મુંબઇની પેઢીના ખાતામાં જમા કરાવવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં
આ શખ્સોએ 1,74,50,000 આપ્યા નહોતા અને ફરિયાદીના ફોન ઉપાડવાનું બંધ કરી નાખ્યું હતું.
પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.