• રવિવાર, 15 જૂન, 2025

શિકારપુર નજીક 2.69 લાખનો માદક પદાર્થ જપ્ત

ગાંધીધામ, તા. 13 : ભચાઉ તાલુકાના સામખિયાળીથી મોરબી બાજુ જતા ધોરીમાર્ગ પાસે શિકારપુરની સીમમાં આવેલી એક હોટેલમાં પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ છાપો મારી અહીંથી રૂા. 2,50,000ના હેરોઇન તથા રૂા. 19,000ના અફીણ સાથે હોટેલના સંચાલકને પકડી પાડયો હતો. સામખિયાળીથી મોરબી જતા ધોરીમાર્ગ પાસે ડાબી બાજુ શિકારપુરની સીમમાં આવેલી અનમોલ પટ્ટી (તરનતારન) નામની હોટલમાં માદક પદાર્થનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી હતી. અનમોલ પટ્ટી નામની હોટેલના કાઉન્ટર પર હાજર રહેલા પંજાબ તરનતારનના હરકેનસિંઘ ઇન્દ્રજિતસિંઘ ખેરા નામના શખ્સને પકડી પાડી તેની તલાશી લેવામાં આવી હતી. તેની પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની પારદર્શક કોથળી મળી આવી હતી, જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ તથા પ્લાસ્ટિકની કોથળીમાં આછા ભુરા રંગના ગાંગડા તથા નાની કોથળીમાં ઘેરા ભુરા રંગનું દ્રવ્ય મળી આવ્યું હતું. પકડાયેલા શખ્સે આછો ભુરો ગાંગડો હેરોઇન તથા ઘેરા ભુરા રંગનું દ્રવ્ય અફીણ હોવાનું કહ્યું હતું. દરમ્યાન મોડી રાત્રે એફ.એસ.એલ. અધિકારીને બોલાવાયા હતા. આ અધિકારીએ પોતાની પાસે રહેલી કિટ વડે પૃથક્કરણ કરતાં પ્રાથમિક તપાસમાં આ માલ હેરોઇન અને અફીણ જ હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા હરકેનસિંઘ નામના શખ્સે દેવરાજસિંહ અજિતસિંહ ગોહિલ તથા રફીક હાજી ત્રાયા પાસેથી હોટેલ ભાડે લઇ તા. 1-11-2024થી ચલાવે છે અને છેલ્લા બે-એક મહિનાથી અહીં માદક પદાર્થ વેચતો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. મોંઘા એવા હેરોઇનને નાની પડીકીઓમાં બાંધી ડ્રાઇવર વગેરે પોતાના ગ્રાહકોને વેચતો હતો.પકડાયેલા આ શખ્સ પાસેથી રૂા. 2,50,000નું પાંચ ગ્રામ હેરોઇન તથા રૂા. 19,000નું  19 ગ્રામ અફીણ, વજન કાંટો, કાઉન્ટરમાંથી રોકડ રૂા. 84,000, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, મોબાઇલ વગેરે મળીને કુલ રૂા. 3,58,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. થોડા મહિના અગાઉ તેની સામેની એક હોટેલમાંથી પણ માદક પદાર્થ ઝડપાયો હતો. આ શખ્સે મોંઘા પ્રકારનો આ માદક પદાર્થ ક્યાંથી મેળવ્યો હશે. તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઇ. વી.પી. આહીર, સામખિયાળી પી.એસ.આઇ. કે.જે. વાઢેર, એસ.ઓ.જી. સ્ટાફ પુંજાભાઇ ચાડ, અશોક ચૌધરી, આશિષ ભટ્ટ, વિશ્વજિતસિંહ, સુનીલ માતંગ, હેમુભાઇ પઢેરિયા, ઇન્દ્રાબેન જોશી, શ્રિયાબેન મારૂ વગેરે જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd