ગાંધીધામ, તા. 13 : રાપર તાલુકાના બાલાસર ગામમાં
અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્રણ શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરતાં એક યુવાનને અસ્થિભંગ
સહિતની ઇજાઓ પહોંચી હતી. બાલાસરમાં ગત તા. 11/6ના ફરિયાદી ધરમશી નાયા પરમાર તથા દિનેશ દેવશી પરમાર પેટ્રોલપંપની
દીવાલ પર બેઠા હતા ત્યારે ત્યાં રાસાજી ગઢડાના આરોપી જયેશ ધરમશી ભટી, ભરત જેઠા ભટી અને ભવન ધરમશી ભટી આવ્યા હતા.
થોડીવાર દીવાલ ઉપર પેઠા બાદ આ શખ્સોએ ફરિયાદીને તને બહુ હવા આવી ગઇ છે કહી ગાળાગાળી
કરતાં જેની ફરિયાદી યુવાને ના પાડતાં આ ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા અને બાઇકમાંથી લોખંડના
પાઇપ કાઢી તેના ઉપર હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને પ્રથમ રાપર બાદમાં સામખિયાળી
સારવાર અર્થે લઇ જવાયો હતો, જ્યાં તેને પગમાં અસ્થિભંગ સહિતની
ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી સાથે થોડા મહિના અગાઉ ફરિયાદીની બોલચાલ
થઇ હતી, જેનું મનદુ:ખ રાખીને હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં
જણાવાયું હતું.