• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ધાણેટી અને ધ્રબ નજીક ટ્રક હડફેટે બે પરપ્રાંતીયનાં મોત

ભુજ/ગાંધીધામ, તા. 26 : માર્ગ અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવમાં કચ્છમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા. ભુજ તાલુકાના ધાણેટીના સીમ વિસ્તારમાં ટ્રક હડફેટે મૂળ મધ્યપ્રદેશના અમિત ઉર્ફે સંજય રામલા મચ્છાર (ઉ.વ. 21)નું, જ્યારે મુંદરા તાલુકાના ધ્રબ રેલવે સ્ટેશન પાસે ફૂટપાથ પર સૂતેલા મૂળ ઉત્તરપ્રદેશના વિમલેશ પ્રેમસિંગ રાજપૂત પર ટ્રક ફરી વળતાં તેનું મોત થયું હતું, તો ભચાઉ તાલુકાના નંદગામ નજીક ઓવરબ્રિજ પર કુશલલાલ શ્રવણલાલ ભટ્ટ (ઉ.વ 31)ને ટ્રેઈલરે હડફેટે લેતાં યુવાને જીવ ખોયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, ધાણેટીના સીમ વિસ્તારમાં આવેલી સદ્ગુરુ મિનરલ્સ ફેક્ટરી નજીક જીજે 03 બીવી 7865વાળા ટ્રકચાલકે બેદરકારીથી વાહન ચલાવી હતભાગી સંજયને ટક્કર મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને નજીક આવેલી ડી.પી.ના થાંભલા પાસે પડતાં તાણિયાને અડી જતાં વીજકરંટ લાગ્યો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વધુ એક જીવલેણ અકસ્માત ધ્રબ પાસે થયો હતો, જ્યાં હતભાગી વિમલેશ માલ ખાલી કરી ટ્રકને સાઈડમાં ઊભી રાખી પાસે આવેલી ફૂટપાથ પર સૂતો હતો ત્યારે ટ્રક નંબર જીજે 12 વાય 8336વાળીના ચાલકે ગફલતભરી રીતે ચલાવી વિમલેશ પર ચડાવી દેતાં તેને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી. બીજીબાજુ ગાંધીધામની ગોપી લોજિસ્ટિકમાં ડ્રાઇવર તરીકે કામ કરનાર કુશલલાલ નામનો યુવાન ગત તા. 20/7ના ગાંધીધામથી મોરબી બાજુ પોતાનું વાહન નંબર જી.જે.-12- એસ.વાય.- 0769વાળું લઇને જઇ રહ્યો હતો. દરમ્યાન, નંદગામ નજીક ઓવરબ્રિજ પર આ યુવાન પોતાનાં વાહનોના પૈડાંમાં હવા તપાસ કરવા નીચે ઊતર્યો હતો. તે હવા તપાસી રહ્યો હતો તેવામાં ત્યાંથી નીકળનાર કન્ટેનર ટ્રક નંબર એમ.એચ.-04-એચ.વાય.- 9338એ આ યુવાનને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે ભચાઉ?લઇ?જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત નોતરી નાસી જનાર ટ્રકચાલક વિરુદ્ધ લલિત કિશોર શ્રવણલાલ ભટ્ટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang