• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

વડાલા જમીન કેસમાં આરોપીને હાઇકોર્ટ દ્વારા જામીન : ભુજના કિસ્સામાં ભાડૂઆતની અપીલ રદ્દ

ભુજ, તા. 26 : મુંદરા તાલુકાના વડાલા ગામે આવેલી ખેતીની જમીન સંબંધી ભારે ચર્ચાસ્પદ કેસમાં આરોપી અજય રસિકલાલ ઠક્કરને રાજ્યની વડી અદાલત દ્વારા શરતોને આધિન જામીન આપતો આદેશ કરાયો હતો, તો જિલ્લા મથક ભુજના પોશ વિસ્તાર હોસ્પિટલ રોડ ઉપર આવેલા રહેણાકનાં મકાન બાબતે માલિક અને ભાડૂઆત વચ્ચેના વિવાદમાં કરવામાં આવેલી અપીલ રદ્દ કરતો ચુકાદો જિલ્લા કોર્ટે આપ્યો હતો.  મુંદરા પોલીસ મથકમાં વડાલા ગામના સર્વે નંબર 857 પૈકી 17 ખાતેની ખેતીની જમીનના મામલામાં ભળતાં નામે ખોટી વ્યક્તિઓ ઊભી કરી બારોબાર દસ્તાવેજ કરીને જમીન વેચી નાખવા મામલે ગુનો દાખલ થયો હતો. આ કેસની પોલીસ તપાસમાં મૂળ અંજારના અને હાલે ડોમ્બિવલી (મહારાષ્ટ્ર) રહેતા અજય રસિકલાલ ઠક્કરનું નામ ખૂલ્યું હતું, તો એક ધારાશાત્રીની સંડોવણી પણ બહાર આવી હતી. પોલીસે અજયની ધરપકડ કરી તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.  સ્થાનિકે જિલ્લા અદાલત દ્વારા અજયની જામીન અરજી નામંજૂર થયા બાદ આ માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરાઇ હતી. આ નિયમિત જામીન અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટે શરતી જામીન આપતો આદેશ કર્યો હતો. આરોપી વતી હાઇકોર્ટમાં વકીલ તરીકે જિજ્ઞેશ એમ. નાયક તથા સ્થાનિકેથી સંતોષાસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય, રોહિત એમ. મહેશ્વરી હાજર રહ્યા હતા. જ્યારે ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર આવેલા ડો. ધીરેન્દ્ર પ્રિતમલાલ દવેની માલિકીના પારિજાત બંગલાના ભોંયતળિયાંના ભાગ બાબતે ચાલતા વિવાદમાં ભાડૂઆતના પુત્રી ભાવનાબેન ઉલ્લાસભાઇ ધોળકિયા દ્વારા કરવામાં આવેલી અપીલ રદ્દ કરતો આદેશ જિલ્લા અદાલતે કર્યો હતો. આ અગાઉ અત્રેની સિવિલ કોર્ટે મકાનનો કબજો માલિકને સોંપવા સાથેનો હુકમ કર્યો હતો, જેની સામે જિલ્લા કોર્ટમાં અપીલ કરાઇ હતી. જેને રદ્દ કરતો ચુકાદો અપાયો છે. આ કેસમાં મકાનમાલિક ડો. મહેતા તરફે વકીલ તરીકે અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી જે.આર. મહેતા અને યશ જગદીશચંદ્ર મહેતા રહ્યા હતા. - ચેકના કેસમાં છુટકારો  : એક લાખ નેવું હજાર રૂપિયાના મૂલ્યનો ચેક બેન્કમાંથી પરત ફરતાં કરાયેલા નેગોશીએબલ ધારાના કેસમાં આરોપી ગાભુ સુજા સંગારને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ માંડવીની અદાલતે કર્યો હતો. આ કેસની ફરિયાદ તુલસીદાસ લાલજી રંગાણીએ કરી હતી. ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાનું જણાવીને આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો માંડવીના પ્રિન્સિપાલ જજ કે.એ. ડાભી દ્વારા અપાયો હતો. આરોપી વતી વકીલ તરીકે માંડવીના મહેન્દ્રકુમાર ડી. મહેશ્વરી સાથે એમ.જે. મહેશ્વરી રહ્યા હતા.  - બેરાજા કેસમાં મનાઇહુકમ  : મુંદરા તાલુકાના બેરાજા ગામે સર્વે નંબર 298/1 ખાતે આવેલી જમીન બાબતના વિવાદમાં કેસના વાદી ગોપાલ માણેક ગઢવીની તરફેણમાં મનાઇહુકમ અપાયો હતો. પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એચ.જે. તન્નાએ આ આદેશ કર્યો હતો. કેસમાં વાદીના વકીલ તરીકે કરશન કે. ગઢવી રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang