• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભુજની પોસ્ટ ઓફિસમાં નાણાં સેરવાયાં, પણ જાણ થઈ જતાં બે ઝડપાયા : એક નાસ્યો

ભુજ, તા. 28 : શહેરની હેડ પોસ્ટ ઓફિસમાંથી ત્રણ સગીર ગઠિયાએ 40 હજારનો હાથ માર્યો હતો, પરંતુ જેનાં નાણાં સેરવાયાં હતાં તેઓને જાણ થઈ જતાં બે સગીરને ઝડપી લીધા હતા, જ્યારે એક નાસી છૂટયો હતો. બે ઝડપાયેલા લૂંટારુઓને એકત્ર લોકોએ રીતસરનો મેથીપાક આપ્યો હતો અને પોલીસને સોંપ્યા હતા. જો કે, ભોગ બનનારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આજે સવારે પોસ્ટ ઓફિસથી કચ્છમિત્ર સર્કલ વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બનેલા બનાવ અંગે `કચ્છમિત્ર'ને ભોગગ્રસ્તો બી-ડિવિઝન પોલીસ મથકે રૂબરૂ મળી જતાં મળેલી વિગતો મુજબ માધાપર નવાવાસમાં રહેતી મૂળ પરપ્રાંતીય પરંતુ જન્મથી અહીં રહેતી યુવતી ત્રીસા જગરાતસિંગે જણાવ્યું હતું કે, તે તથા તેના પિતા અને તેમના ઓળખીતા જીગીસ રાસ્તેએ આજે સવારે પોસ્ટ ઓફિસમાંથી 90 હજાર રૂપિયા ઉપાડયા હતા. નાણાં હેન્ડબેગમાં રાખ્યા હતા અને બેગની ચેઇન ખુલ્લી હતી. પોસ્ટ ઓફિસમાં માર્ગ વચ્ચે ભીડમાં ઊભેલા ત્રણ શખ્સ પૈકીએ ગિર્દીનો લાભ ઉઠાવી 40 હજાર સેરવી લઇ બેગની ચેઇન બંધ કરી દીધી હતી. બહાર નીકળી રૂપિયા જોતાં 40 હજાર ઓછા દેખાતાં ત્રીસાબેને જીગીસભાઇનું ધ્યાન દોરતાં ત્રણ શખ્સ ઉપર શંકા જતાં દોડીને કચ્છમિત્ર સર્કલ પાસે બે સગીરને ઝડપી લીધા હતા અને રાડારાડી થતાં આસપાસના લોકો પણ એકત્ર થઇ ગયા હતા. અફરાતફરી પૂર્વે ચાલાક સગીરોએ નાણાં માર્ગ પર જઇ રહેલી રિક્ષામાં નાખી દીધા હતા. બીજીતરફ જે રિક્ષામાં નાણાં પડયાં હતા તે રિક્ષા આગળ નીકળી ગઇ હતી, પરંતુ રિક્ષાવાળા કમલેશભાઇએ રિક્ષાના સ્ટાર્ટ હેન્ડલ પાસે નાણાં પડેલાં જોયાં હતાં. તેઓ તુરંત પરત ફર્યા હતા અને ઘટનાસ્થળે બબાલ ચાલુ હતી. આથી ઇમાનદાર કમલેશભાઇએ તેમની રિક્ષામાં ફેંકેલાં નાણાં ત્રીસાબેનને પરત આપ્યાં હતાં. પકડાયેલા બંને સગીરોને ભોગગ્રસ્ત લોકો બી-ડિવિઝન પોલીસ મથકે લઇ ગયા હતા. પોલીસે બંનેના નામ-ઠામ અને ભાગેલાનીય વિગતો મેળવી લીધી હતી, પરંતુ આરોપીઓ સગીર હોવાથી દયાભાવને લઇને ભોગગ્રસ્તે ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, હાલમાં ચોરી-લૂંટના બનાવમાં ખાસ્સો એવો ઉછાળો આવ્યો છે. પરપ્રાંતીયોની એક કરતાં વધુ ગેંગ સક્રિય બની છે ત્યારે દરેકે સતર્ક રહેવાની જરૂર છે. આવા બનાવોમાં દયાભાવ દાખવવો યોગ્ય હોવાનો સૂર બુદ્ધિજીવીઓનો છે. જો નાણાં લઇ?આરોપીઓ પલાયન થઇ?ગયા હોત તો બનાવમાં પોલીસ પર માછલાં ધોવાત. આમ, આવા ચોર-ઉચક્કાઓને નસિયત પહોંચાડવા પોલીસની સાથોસાથ લોકોએ પણ આગળ આવી ફરિયાદ કરવા જેવાં પગલાં ભરવાની જરૂર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang