• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

વિકાસ અને કુદરત વચ્ચે સંતુલન જાળવવાની તાકીદ

હિમાલયે વધુ એક વખત માનવીને ચેતવણી આપી છે. આ ઉન્નત પર્વતમાળાના સતત બગડી રહેલાં પ્રાકૃતિક સંતુલનથી કુદરતી આફતો સતત વધી રહી છે. બુધવારે નેપાળમાં તિબેટ તરફથી અચાનક આવેલાં ભયંકર પૂરમાં હિમાલયનાં રૌદ્ર સ્વરૂપે વધુ એક વખત દુનિયાને હચમચાવી મૂકી છે. રસુવા ખાતે ભોટેકાશી નદીમાં આવેલા પ્રલયકારી પૂરના પ્રવાહમાં સંખ્યાંબંધ મકાન, પુલ અને જળ વિદ્યુત પ્રોજેક્ટ તણાઈ ગયા હતા. 17થી વધુ લોકોનાં મોત થઈ ચુક્યાં છે અને મરણાંક હજી વધે એવી અમંગળ આશંકા છે. આ પૂરમાં 100થી વધુ ભારતીય લાપતા હોવાના અહેવાલ પણ છે. પ્રાથમિક અહેવાલો અને ઉપગ્રહની તસવીરેના પ્રારંભિક વિશ્લેષણ મુજબ નેપાળ અને તિબેટની સરહદે હિમાલયની પર્વતીય શિલાઓ ખસકવાને લીધે પૂર આવ્યું હતું. આની પાછળનું મૂળ કારણ તો હિમાલયના પર્વતીય વિસ્તારોમાં વિકાસ અને પ્રકૃતિનાં સતુલનને જાળવવા તરફ સેવાતું દુર્લક્ષ હોવાનું સ્પષ્ટ છે. બુધવારની કુદરતી આફતે ફરી એક વખત બતાવી આપ્યું છે કે, તેની સામે માનવજાત સાવ બેબસ બની જાય છે. હિમાલયને વિકાસની પ્રયોગશાળા બનાવી મુકનારાઓએ હવે કુદરતની જાળવણી અને માવજત પર પણ પ્રમાણિકપણે ધ્યાન આપવું જોઈશે. હાલત એવી થઈ છે કે, હિમાલયના નેપાળ હોય કે ભારતના વિસ્તારોમાં વિકાસનાં નામે કુદરતની અવગણના થતી રહી છે. રસ્તા બનાવવા પહાડોને કાપી નંખાય છે, વીજળી માટે નદીઓને રોકીને જળવિદ્યુત મથક ખડાં કરી દેવાય છે અને પ્રવાસન માટે નદીઓ કે જંગલો સુધી બાંધકામ કરી દેવાય છે. આધુનિક સમયમાં સવાલ એ નથી કે, વિકાસ થવો જોઈએ કે નહીં, પણ સવાલ એ છે કે, આપણે કુદરત અને હિમાલયની ક્ષમતાને અનુરૂપ વિકાસ કરીએ છીએ કે નહીં ? આજે દુનિયા આખી જળવાયુ પરિવર્તનને લીધે ગ્લોબલ વોર્મિગના ખતરનાક જોખમનો સામનો કરી રહી છે. વાતવરણમાં ગરમી વધતાં હિમાલયથી માંડીને એન્ટાર્ટીકા સુધીના ઠંડા પ્રદેશોમાં બરફના ગ્લેશીયર જોખમી રીતે પીગળી રહ્યા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ગ્લેશીયર ઓગળવાને લીધે સરોવરો સર્જાવા લાગ્યાં છે, જે હવે જોખમી કદ ધારણ કરવા લાગ્યા છે. હિમાલયના કુદરતી અતિક્રમણને લીધે જે રીતે વિનાશક ઘટનાઓ વધી રહી છે, તે જોતાં આવનારા નજીકના ભવિષ્યમાં આ વિસ્તારોમાં રહેણાક ભારે જોખમી બની જશે. આ વખતની આપદાએ વધુ એક જોખમી પરિમાણ છતું કર્યું છે. હિમાલયના પર્વતીય વિસ્તારોના વિનાશક પૂરના પ્રકોપને હવે ભારતના તળેટીનાં મેદાની વિસ્તાર સુધી અનુભવાયો હતો. બિહાર, ઉત્તરપ્રદેશ અને ગંગાના તટપ્રદેશમાં પૂરની આશંકાએ લોકોના જીવ પડીકે બંધાયા હતા. હવે, જ્યારે હિમાલયમાં કુદરતી આફતનું જોખમ સતત વધી રહ્યંy છે, ત્યારે ભારતે આગોતરી ચેતવણી માટેની સુદૃઢ વ્યવસ્થા પર ધ્યાન આપવાની અનિવાર્યતા છતી થઈ છે. જળસ્તર માપક યંત્રો, ઉપગ્રહ આધારિત સતત ચાંપતી નજર રાખવા ઉપરાંત પર્વતો પર સેન્સર અને રડારનાં નેટવર્કને ભારત, ચીન અને નેપાળે સાથે રહીને ખડું કરવાની ખાસ જરૂરત છે. આ નેટવર્ક એકમેક સાથે સંકલન દ્વારા સતત કાર્યરત રાખીને કુદરતી આફતોની આગોતરી ચેતવણી મળતી થાય તે હવે સમયની માંગ છે. સાથોસાથ આ ત્રણે દેશે પોતપોતાના હિમાલય વિસ્તારના પર્વતો પરના વિકાસને સંતુલિત રાખીને કુદરતની માજવત પર ધ્યાન આપવું જોઈએ.

Panchang

dd