ગાંધીધામ/ભુજ, તા. 27 : અંજારના વરસાણામાં
ઈસ્પાત કંપનીમાં લોખંડની પ્લેટ માથમાં લાગતા રોશનકુમાર રામાનંદ મંડલ (ઉ.વ. 25) નામના યુવાને જીવ ખોયો હતો.
બીજીબાજુ ખેડોઈ નજીક કારમાં આગ લાગતા તેમાં સવાર રજનીશ કુમાર પાંડે (ઉ.વ. 48) નામનો યુવાન ભડથું થઈ ગયો હતો.
તેમજ કંડલામાં મોહન દેવજી ભોઈયા ઉર્ફે ભગત (ઉ.વ. 50)નું મોત એક્ટિવાથી પડી જવાથી પણ ગોદામ પરથી નીચે પટકાતા થયું
હોવાનું બહાર આવ્યું છા. મુંદરાની એક ખાનગી કંપનીમાં કામ દરમ્યાન 41 વર્ષીય શ્રમિક મૂળ બિહારના
સંજીત માંઝી કારૂ માંઝી દાઝી જતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
વરસાણાની ઈસ્પાત કંપનીમાં ગત તા. 24/8ના સાંજના અરસામાં અકસ્માત
સર્જાયો હતો. આ કંપનીમાં કામ કરનાર રોશનકુમાર નામનો યુવાન કંપનીમાં કામ કરી રહ્યો હતો
દરમ્યાન લોખંડની પ્લેટ તેના માથના ભાગે લાગતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચહી હતી.
આ ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ગાંધીધામની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેણે ગઈકાલે
સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. યુવાનના મોતને પગલે કંપનીઓ, ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષાનો મુદો
ફરીથી સપાટી ઉપર આવ્યો હતો.
વધુ એક બનાવ અંજાર-મુંદરા રોડ ખેડોઈ નજીક મોમાય કૃપા હોટેલની
સામે ગત રાત્રીના 24/8ના રાત્રે
બન્યો હતો. વરસામેડીમાં રહેનાર રજનીષ પાંડે નામનો યુવાન પોતાની કબ્જાની બલેનો કાર નંબર
જી.જે. 12-એફડી 7177 લઈને જઈ રહ્યો હતો. તે ખેડોઈ
નજીક પહોંચતા કારમાં અચાનક આગ ભભુકી ઊઠી હતી. જેના કારણે આ યુવાન ગંભીર રીતે દાઝી ગયો
હતો. જેમાં તેણે જીવ ખોયો હતો. બનાવ અંગે અંજાર પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ
ધરી છે.
કંડલામાં ગુજરાત સ્ટેટ વેરહાઉસ ગોદામ નંબર પાંચ, સી, ડબલ્યુ સી કન્ટેનર
યાર્ડની સામે ગત તા. 17/8ના સવારે
બનાવ બન્યો હતો. અંજારમાં રહેનાર નીલેશ ધનજી બાંભણિયા (સોરઠિયા આહીર) નામના આધેડ ઘરેથી
એક્સેસ લઈને કામે જવા નીકળ્યા ત્યારે કિડાણાથી મોહન ભુઈયાને પણ પોતાની સાથે લઈને કંડલા
કામ ઉપર પહેંચ્યા હતા. મોહન ભોઈયા 20 ફૂટ ઉપર ચડી લોખંડ કાપવાનું કામ ચાલુ કર્યું હતું. આ આધેડે એક
કેચી કાપી બીજી કાપવાનું ચાલુ કર્યું હતું. તેવામાં કેચી સાથે તે નીચે પટકાયા હતા.
જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ આધેડને નીલેશ બાંભણિયા તથા અન્ય લોકો સારવાર
અર્થે તેમને ભુજ લઈ જવાયા હતા. મોહન ભાઈનો પરિવાર ગરીબ હોય જેથી તેમને અકસ્માતમાં સરકારી
સહાય મળતી હોય નીલેશ બાંભણિયાએ મોહનભાઈ પોતાની એક્સેસ પરથી પડી ગયા હોવાની હકીકત જ-તેસ
વખતે પોલીસને જણાવી હતી. બાદમાં આધેડનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી આ અંગે
રોડ અકસ્માતની ફરિયાદ કરવાની થતી હોઈ નીલેશ બાંભણિયાએ ભાન થઈ હતી કે આવું ખોટું ના
કરાય. તેમણે બિ-ડિવિઝન પોલીસ મથકે તા. 21/8ના સાચી હકીકત જણાવી હતી. આ બનાવ કંડલા પોલીસનો હોવાથી કંડલા
પોલીસે નેંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ગત તા. 2/8ના સવારે અગ્યાર વાગ્યાના અરસામાં
મુંદરાના એસ.ઈ.ઝેડ વિસ્તારમાં ઓ.સી.સી.એલ. કંપનીમાં સંજીત માંઝી મજૂરી કામ કરતો હતો.
ત્યારે હોપર મશીનમાં સલ્ફર પાવડર નાખતી વખતે આગ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો.
જેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાની વિગતો ગઈકાલે મુંદરા પોલીસ મથકે તેના ભાઈ સુધીરે
જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.