ગાંધીધામ, તા. 27 : દેશની સુરક્ષા સાથે ખીલવાડ
કરતી ચીની ચાલબાજી અને ગેરકાયદે ઘૂસણખોરી સામે ડી.આર.આઇ. અને કેન્દ્રીય સુરક્ષા એજન્સવીઓએ
સર્જિકલ સ્ટ્રાઇક જેવી લાલઆંખ કરી છે. મુંદરા બંદર પરથી ચોક્કસ બાતમીના આધારે ત્રાટકેલી
તપાસ ટીમોએ ચાઇનીઝ કાવતરાંના ભાગરૂપે આયાત કરાયેલા 16 શંકાસ્પદ કન્ટેનરોને સ્થગિત કરાવી તેની તપાસ કરાઇ હતી. ચાર-પાંચ
કન્ટેનરોમાંથી કરોડોના જી.પી.આર.એસ.વાળા સી.સી.ટી.વી. કેમેરા, ક્રૂ અને હાઇટેક ઇલેક્ટ્રોનિક સ્પેરપાર્ટસનો
ડુંગર ખડકાયેલો મળી આવ્યો હોવાનું સપાટી પર આવ્યું હતું. મુંદરા બંદર પર સુરક્ષા એજન્સીઓ
દ્વારા હજુ ચાર-પાંચ કન્ટેનરોની જ તલાશી લેવામાં આવી છે, જેમાં
દેશની સુરક્ષા માટે અત્યંત ખતરનાક એવા જી.પી.આર.એસ. ટેક્નોલોજીથી સજ્જ અને પ્રતિબંધિત
સી.સી.ટી.વી. કેમેરા વગેરે મળી આવ્યા છે. ચીનથી વાયા મુંદરા થઇને આવેલો આ ખતરનાક માલસામાન
દિલ્હીની એક શંકાસ્પદ સિન્ડિકેટ દ્વારા મગાવાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. સ્થાનિક
કંડલા-મુંદરા ક્ષેત્રમાં બેસીને કાળા-ધોળા કરતા એક કુખ્યાત એજન્ટની ભૂમિકા પણ સામે
આવી હોવાનું સપાટી પર આવી રહ્યું છે. જે અગાઉ પણ આવા દેશવિરોધી સ્મગલિંગ કાંડમાં લિપ્ત
રહી ચૂક્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં દિલ્હીના અત્યંત સંવેદનશીલ અને વી.આઇ.પી.
વિસ્તારોમાંથી ચાઇનીઝ જી.પી.આર.એસ.વાળા કેમેરા મળી આવ્યા હતા જે ભારતની જાસૂસી માટે
ગોઠવાયા હોવાની આશંકા હતી. આ પ્રકરણમાં એજન્સીઓની તપાસ દરમ્યાન પણ આ પ્રતિબંધિત સામગ્રી
કચ્છના દરિયાઇ માર્ગે જ ભારતમાં ઘૂસાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ સનસનાટીભર્યા
ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓએ કંડલા-મુંદરા માર્ગ પર ગાળિયો મજબૂત કર્યો હતો. હાલમાં
16 કન્ટેનરો સ્થગિત કરાયા બાદ
ચાર-પાંચ કન્ટેનરોમાંથી આ શંકાસ્પદ, પ્રતિબંધિત કરોડોનો જથ્થો મળી આવ્યો છે ત્યારે બાકીનાં કન્ટેનરોમાંથી કેવા
પ્રકારના જાસૂસી સાધનો કે પ્રતિબંધિત સામાન નીકળશે તે જોવાનું રહ્યંy. આ દેશવિરોધી માલ ચાઈનાની કઈ
સિક્રેટ લેબ કે કંપનીમાંથી નિકળ્યો હતો ? દિલ્હી સિવાય દેશના કયા-કયા શહેરોમાં તેનો સપ્લાય થવાનો હતો ? અને હેકર્સ દ્વારા ભારતની કઈ ગુપ્ત માહિતી ચીન મોકલવાનું કાવતરું હતું
? તે અંગે પણ તપાસ એજન્સીઓએ સકંજો કસ્યો છે. સુરક્ષા એજન્સીઓના આ આક્રમક
એક્શનથી ચાઈનીઝ માલસામાનના જોરે દેશની સુરક્ષા દાવ પર લગાવતા દલાલો, આયાતકારો અને સટ્ટાખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મિસડિક્લેરેશન કરીને સેઝનાં નામે આવો માલ મગાવાય છે ?
સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશથી આવો માલ સેઝનાં નામે મગાવાય છે, જેમાં કાગળોમાં અન્ય વસ્તુઓ દર્શાવાય છે અને
ખરેખર કન્ટેનરોમાં અન્ય જ માલ છુપાવાયેલો હોય છે. હાલના કિસ્સામાં પણ આવું જ કંઈક હોવાનું
જાણવા મળે છે.