• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ભારતીય સ્ટાર્ટઅપ્સ અંતરિક્ષમાં સર્જશે આર્થિક વિકાસની તકો

ઉપગ્રહો અને રોકેટોના અંતરિક્ષમાં પ્રક્ષેપણના પ્રોજેક્ટને સફળતા સાથે કિફાયતપણે પાર પાડવાની દુનિયાભરમાં નામના ધરાવતા ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (ઈસરો) બાદ હવે ભારતના ખાનગી ક્ષેત્રે અંતરિક્ષમાં નવતર સેવાઓ પૂરી પાડવાની વેપારી કુશળતા પર હાથ અજમાવવો શરૂ કર્યો છે. ભારતનું ખાનગી ક્ષેત્ર આવનારાં વર્ષોમાં અતંરિક્ષમાં ઉપગ્રહોમાં ફરી ઈંધણ પૂરવાની, અંતરિક્ષમાંથી કચરો સાફ કરે એવા રોબોટ ઉપયોગમાં લેવાની, માઈક્રોગ્રેવિટીમાં દવાઓનાં ઉત્પાદન સહિતની ટેક્નોલોજી પર કામ કરી રહ્યંy છે. મળતા સંકેત મુજબ આ ટેક્નોલોજી સફળ થાય એવી પૂરી શક્યતા છે, જેનાથી આવનારાં વર્ષોમાં દેશનાં અર્થતંત્રમાં મોટું ફાયદાકારક સમીકરણ આકાર લઈ શકે તેમ છે. ભારત અંતરિક્ષમાં આત્મનિર્ભર બનવાની સાથોસાથ એક અનોખા અવકાશી અર્થતંત્રને વિકસાવવાનો મજબૂત તખતો તૈયાર કરી રહ્યો છે અને આમાં ઈસરોની સાથોસાથ હવે ખાનગી ક્ષેત્ર પણ સહયોગ આપવા સજ્જ બની રહ્યંy છે. આ નવતર સિદ્ધિ ભારતમાં રોજગાર અને અર્થતંત્રની નવી શક્યતાઓ ઊભી કરશે. સાથોસાથ ઘરઆંગણે અવકાશી ટેક્નોલોજીની ઉપલબ્ધિથી સમાન્ય નાગરિકોથી માંડીને કિસાનો સુધી તમામ વર્ગોને ફાયદો થશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં અવકાશી ક્ષેત્રે કામ કરતા 20 સ્ટાર્ટઅપના વડાઓ સાથે વાતચીત કરીને ભારતના અંતરિક્ષમાં વિકાસમાં ખાનગી ક્ષેત્રની મજબૂત ભૂમિકાની પ્રતીતિ કરાવી હતી. આમ તો તાજેતરમાં ભારતની એક કંપનીએ પોતાનાં બળે એક ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકીને ખાનગી ક્ષેત્રની સજ્જતા દુનિયાને બતાવી આપી હતી, પણ હવે સ્ટાર્ટઅપ તેમની કાબેલિયતને માત્ર ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવા સુધી મર્યાદિત રાખવાને બદલે નવતર બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અંતરિક્ષમાં ઈંધણના અભાવે મૃત:પ્રાય ઉપગ્રહોને ફરી જીવિત કરવા તેમનામાં ઈંઘણ ભરવા, અવકાશમાં વધી રહેલા કચરાને સાફ કરવાનું બીડું ભારતીય કંપનીઓએ ઉપાડી લીધું છે. ભારતીય સ્ટાર્ટઅપ હવે રોબોટિક અવકાશયાનની મદદથી આ કામ હાથ ધરવા કામે લાગી ગયું છે. આમાં સૌથી વધુ આર્થિક તક અંતરિક્ષમાં દવાઓનાં નિર્માણની વ્યવસ્થા ઊભી કરવાની છે. માઈક્રોગ્રેવિટીનાં વાતાવરણમાં અમુક પ્રોટીન અને જૈવિક પદાર્થ પૃથ્વીની સરખામણીએ અલગ રીતે કામ કરતા હોય છે. આવાં વાતાવરણમાં નવી દવાઓને વિકસાવવાની અઢળક તક ઉપલબ્ધ થઈ શકે તેમ છે. આ નવતર ઉત્પાદન અને પરીક્ષણ વ્યવસ્થા દેશની દવા કંપનીઓ માટે નવી તકો ઊભી કરશે. હાલે ઈસરો કિફાયતી અને સચોટ રોકેટ લોન્ચિંગમાં દુનિયાભરમાં નામના ધરાવે છે. હવે આમાં ભારતનું ખાનગી ક્ષેત્ર પણ બહુ જલ્દીથી જોડાશે. આના લીધે ભારતની ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની ક્ષમતા વધી જશે અને સરવાળે તેની આવકનો ફાયદો દેશનાં અર્થતંત્રને થશે. ભારતીય સ્ટાર્ટઅપે આ નવતર ક્ષેત્રમાં હથોટી કેળવવા જે રીતે કમર કસી છે તેનાથી દેશના વિજ્ઞાન અને અર્થતંત્ર બન્નેને મોટું બળ મળશે એવા આશાસ્પદ સંજોગો આકાર લેવા શરૂ થઈ ગયા છે.

Panchang

dd