• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

કોમનવેલ્થ ગેમ્સની તૈયારીની સમીક્ષા કરતા શાહ

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે પ્રથમ દિવસે અમરેલી ખાતે દુધાળામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા જ્યાં તેમની અધ્યક્ષતામાં શાહીબાગ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યના ઓલિમ્પિક્સના આયોજન માટેની તૈયારીઓ તથા વિશ્વસ્તરીય રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા, ગુજરાતના ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના રમત ગમત મંત્રી જયરામ ગામીત તથા રમતગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેનો રોડમેપ રજૂ કરાયો હતો. ગેમ્સનો માસ્ટર પ્લાન અને સ્ટેડિયમ નિર્માણની પ્રગતિનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતની સંભવિત 2036 ઓલિમ્પિકની દાવેદારીને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને સંબંધિત સુવિધાઓના નિર્માણ પર શાહે મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Panchang

dd