ભારત-બાંગલાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ ઓછો થવાની નિર્માણ થયેલી
શક્યતા પર ફરી એકવાર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. બન્ને દેશ વચ્ચે ચાલી રહેલી વાતચીત
આખરે સકારાત્મક પરિણામ વિના અટકી પડી છે અને બાંગલાદેશના વડાપ્રધાન તારિક રહમાનની ભારત
મુલાકાત પણ અનિશ્ચિત છે. બાંગલાદેશના વિદેશ ખાતાના પ્રવક્તાએ કહ્યું છે કે, તારિક રહમાનની ભારત મુલાકાત માટે યોગ્ય વાતાવરણ
ભારત નિર્માણ કરે એ આવશ્યક છે. ભારતે આગામી 12મી અને 13મી સપ્ટેમ્બરે
યોજાનારી બ્રિક્સ સમિટ માટે રહમાનને આમંત્રણ મોકલ્યું હતું, પણ એ પહેલાં નવી દિલ્હીએ બાંગલાદેશના ભૂતપૂર્વ
વડાપ્રધાન શેખ હસીના પ્રત્યાર્પણ બાબતે તાકીદે કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી મૂકવામાં
આવી છે. ખાસ તો ગત પાંચમી ઓગસ્ટે શેખ હસીનાએ સંબોધેલી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સનો
મુદ્દો આગળ કરી ઢાકાએ વડાપ્રધાન રહમાનની ભારત યાત્રા માટે યોગ્ય વાતાવરણ ન હોવાનું
નિવેદન આપ્યું છે. છેલ્લાં બે વર્ષમાં ભારત-બાંગલાદેશ વચ્ચેના સંબંધોના ઉતાર-ચડાવ બાદ
ફરી એકવાર આ મોરચે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે. બાંગલાદેશની ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ
ટ્રિબ્યુનલે શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવ્યાં છે. જો કે,
એકપક્ષી ચાલેલા આ ખટલામાં હસીનાને પોતાનો પક્ષ રાખવાની તક અપાઈ નથી.
ભારત અન્ય દેશોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરતું નથી, પણ શેખ
હસીનાએ ભારતમાં શરણાગતિ લીધી હોવાથી તેમનું પ્રત્યાર્પણ યોગ્ય ન્યાયિક તથા કાયદા પ્રક્રિયા
દ્વારા જ શક્ય છે. આથી, બાંગલાદેશે સમજવું જોઈએ કે, કૂટનીતિના મોરચે દબાણ લાવી દ્વિપક્ષી સંબંધોને દાવ પર લગાડવાથી મુદ્દો વધુ
ગૂંચવાશે. દેખીતી રીતે જ, નિષ્પક્ષ ન્યાયની શક્યતા ઓછી હોય એવા
સંજોગોમાં ભારત પ્રત્યાર્પણ કરવા તૈયાર થાય નહીં. પહેલાં બાંગલાદેશમાં વિદ્યાર્થી આંદોલનો
પછી ભારતવિરોધી મોહમ્મદ યુનુસની રખેવાળ સરકારના કાર્યકાળમાં અને તેમની હરકતોને પગલે
દ્વિપક્ષી સંબંધો સર્વોચ્ચ નીચા સ્તરે પહોંચ્યા હતા. તારિક રહમાન ચૂંટાયા એ પછી ભારતે
સંબંધો સામાન્ય કરવાની પહેલ કરી હતી અને ઢાકાએ પણ રુખ નરમ કર્યા હતા, પણ હવે કઠોર વલણ અપનાવતાં શેખ હસીનાનું પ્રત્યાર્પણ અને વિદ્યાર્થી નેતા ઓસમાન
હાદીના હત્યારાઓને બાંગલાદેશને સોંપી દેવાની શરત રાખી છે. પાડોશી દેશો વચ્ચે લાંબી
સરહદ ઉપરાંત સંરક્ષણ, વેપાર, જળ વહેંચણી
તથા અન્ય મુદ્દે સહકાર છે અને આમાંના કેટલાક મુદ્દા પર વિસ્તૃત ચર્ચાથી માર્ગ નીકળી
શકે એમ છે, પણ એ માટે પૂર્વશરત રાખી બાંગલાદેશે આખી પ્રક્રિયા
પર બ્રેક મારી દીધી છે. બાંગલાદેશ ભારતનું નાક દબાવવા માગે છે, પણ આંતરરાષ્ટ્રીય સંબંધો અને વહેવારો આ રીતે ચાલતા નથી. તારિક રહમાને સત્તા
સંભાળ્યા બાદ ભારત પ્રત્યેના વલણમાં ફેરફાર કર્યા છે. જો કે, ઉતાવળિયા નિર્ણયો અને જાહેર નિવેદનોથી અળગા રહી આ દિશામાં આગળ વધવું જોઈએ.